સુરત: વસ્તાદેવડી રોડ ઉપર એક કારખાનામાં (Factory) મશીન (Machine) ચાલુ મૂકીને જવા બાબતે બે કારીગરો વચ્ચે ઝઘડો (Fight) થયો હતો. જેમાં એક કારીગરે આધેડ કારીગરને પહેલા માળેથી ધક્કો મારી દેતાં આધેડને મણકાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોતાલાવાડી કતારગામ પાસે રેલરાહત કોલોનીમાં રહેતા ઠાકોર ભીખા રાઠોડ મહિધરપુરા વસ્તાદેવડી રોડ ઉપર લુંગીવાલા કંપાઉન્ડમાં સુનીલ ડાઇંગ મિલ નામના લસણના કારખાનામાં નોકરી કરે છે. તેમની સાથે અશોક નેપાળી નામનો યુવક પણ નોકરી કરે છે. શુક્રવારે સાંજે અશોક મશીન ચાલુ મૂકીને જતો રહ્યો હતો. આ બાબતે ઠાકોરભાઇએ અશોકને સમજાવતાં બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. રાત્રિના સમયે કારખાનાના માલિક જાતે આવ્યા હતા અને બંનેને સમજાવ્યા હતા. ત્યારબાદ ફરી રાત્રે 11 વાગ્યે અશોકે આ વાતની અદાવત રાખી ઠાકોરભાઇ સાથે ઝઘડો કર્યો હતો. અને ઠાકોરભાઇને પહેલા માળેથી નીચે ફેંકી દીધા હતા.
- રાત્રિના સમયે કારખાનાના માલિક જાતે આવ્યા હતા અને બંનેને સમજાવ્યા હતા
- અશોકે આ વાતની અદાવત રાખી ઠાકોરભાઇ સાથે ઝઘડો કર્યો અને ઠાકોરભાઇને પહેલા માળેથી નીચે ફેંકી દીધા
- આધેડને પીઠના ભાગે મણકામાં ઇજા થઈ, પોલીસે ઇજા પહોંચાડનાર અશોક નેપાળીની ધરપકડ કરી
આ અકસ્માતમાં ઠાકોરભાઇને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ડોક્ટરોના કહેવા પ્રમાણે અશોકભાઇને ગરદનથી નીચે મણકાના ભાગે ઇજા થઇ હતી અને ગરદન નીચેનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું. આ બનાવ અંગે મહિધરપુરા પોલીસે મારામારીનો ગુનો નોંધી અશોક નેપાળીની ધરપકડ કરી હતી.
તડકેશ્વરની કંપનીમાં નજીવી બાબતે ઝઘડો થતાં હુમલો
માંડવી: માંડવીના તડકેશ્વરની હદમાં આવેલી એક કંપનીમાં બપોરે ત્રણ વાગ્યે સામાન્ય વાતથી ઝઘડો થતાં માથામાં લોખંડનું કડું મારી ઇજા પહોંચાડતાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી. માંડવીના તડકેશ્વર ગામની હદમાં આવેલી દર્શન બોર્ડ લેમ કંપનીમાં નાઈટ્રોજનની બોટલને ભરાવી પરત કંપનીમાં આવતાં મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિષ્ના ઉર્ફે કિશન યાદવ (હાલ રહે., દર્શન બોર્ડ લેમ કંપનીના રૂમમાં, તડકેશ્વર)ને બોટલ ખાલી કરવા બાબતે કહેવા જતાં તેમણે ગાળો આપી બંને વચ્ચે ઝપાઝપી થતાં કિષ્નાએ હાથમાં પહેરેલું કડું કાઢીને સતીષ વસાવાને માથાનાં ભાગે મારી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આખરે પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો દાખલ કરી આગળની તપાસ જમાદાર કરી રહ્યા છે.