હિંદનો છેલ્લાં ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ વાંચી જાઓ, બે શિક્ષિત વ્યકિત એટલે કે બ્રાહ્મણ-વણિક કે ક્ષત્રિય, સામસામે મળે, તો એકબીજાને એક જ વર્ણના હોય, તો ‘નમસ્કાર’ કહે, ઊંચી વર્ણનાને દૂરથી પ્રણામ કરે અને બંને બ્રાહ્મણને પગે પડી તેના આશીર્વાદ માંગે અને આશીર્વાદ પહેલાં તેને ભિક્ષા કે દાન આપે. સંસ્કૃતનું થોડુંક સાહિત્ય મેં વાંચ્યુ છે પરંતુ નમસ્કાર સિવાય અભિવાદનનો બીજો શબ્દ જડયો નથી. જનતાના વિવિધ વર્ગો આ અભિવાદન માટે અલગ અલગ રીતરસમ અપનાવે છે. મુસ્લિમ મિત્રો ‘સલામ આલેકુમ’ કહે અને અંગ્રેજો ગુડ મોર્નીંગ, ગુડ ઇવનીંગ કહે.
આ ગુડ મોર્નીંગ જમાનાથી યુરોપમાં ચાલતો આવતો વ્યવહાર છે. હવે ભારતમાં શિક્ષણ તો બ્રાહ્મણોનો ઇજારો હતો, શાસ્ત્રો પર તેમનો 100 ટકા કબ્જો હતો. શાસ્ત્રો જ નહીં, પંચાંગ પર પણ તેમનો ઇજારો, રાજદરબારમાં શુભ કાર્યો માટે રાજા બ્રાહ્મણને મુહૂર્ત જોવા કહે, એટલે પુરોહિત મુહુર્ત જોઇ આપી પંચાંગ છુપાવી દેતા. રાજાને પણ જોવા આપતા નહીં. તેમણે સંસ્કૃત ભાષા જેને તેઓ દેવોની ભાષા કહેતા તેના શબ્દો સવર્ણો સિવાય કોઇ ‘શુદ્ર ના કાને પડે તો કાનમાં સીસુ રેડી દેવાનો નિયમ બનાવેલો. શુદ્રોને સંસ્કૃતનો શબ્દ બોલવાનો તો શું સાંભળવાનો પણ અધિકાર ન હતો.
પ્રભુની ભક્તિ કરવાનો અધિકાર ન હતો. સુરતના બાગમાં આરએસએસના એક દરિયાકાંઠેના શુદ્ર છે જે ‘સુપ્રભાતમ’ બોલે છે. સારું છે પરંતુ શિષ્ટાચાર અને તે પણ આમ જનતામાં શિષ્ટાચાર દાખલ કરનારા અંગ્રેજ અમલદાર મેકોલે હતા જેણે કાયદાના ગ્રંથો ઇન્ડિયન પીનલ કોડ, ક્રીમીનલ પ્રોસીજર કોડ, પુરાવાનો કાયદો બનાવ્યા ઉપરાંત દેશમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું અને કરોડો શુદ્રો જેમનાં મોં-કાન, સલામત રહેલા તેમને ‘માનવ’ બનાવ્યા. આ મિત્રના ‘સુપ્રભાતમ’નો જવાબ હું ‘મેકોલે મોર્નીંગ’ કહી આપું છું તે યોગ્ય છે.
સુરત – ભરત પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
શું આ છે ગુજરાતનું નવું વિકાસ મોડેલ
ગુજરાતમાં ડુપ્લીકેટ દૂધ, ઘી, બટર, દવા, જીરૂ, મસાલા વેચાઈ રહ્યાં છે. હવે તો ડુપ્લીકેટ સરકારી કર્મચારી, અધિકારી, જકાતનાકા, દવાનાં કારખાનાં પકડાઈ રહ્યાં છે. બીજાં રાજ્યોમાં આટલું બધું સાંભળવામાં આવતું નથી કે વાંચવામાં આવતું નથી. ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે ? આને લઈને ગુજરાતનાં લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યાં છે. આ મોટો ચિંતાનો વિષય છે. તાત્કાલિક તપાસ અને પગલાં લેવાનો સમય આવી ગયો છે. આ બધું જોતાં અને અનુભવતાં એવું લાગે છે કે આ શું ગુજરાતનું નવું વિકાસ મોડેલ છે?
નવસારી – દોલતરાય એમ. ટેલર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.