આજે મધર્સ ડે હતો. શહેરમાં ગ્રીટિંગ કાર્ડ અને ફૂલવાળાઓને ત્યાં ઘણો ધસારો હતો. એક મોટી કંપનીનો મોટો અધિકારી પોતાની માને એક બુકે દ્વારા મધર્સ ડે ની શુભેચ્છા પાઠવવા એક ફૂલવાળાની દુકાને આવ્યો. ગાડીમાં બેઠા બેઠા તે ફૂલવાળાને એક મોંઘામાં મોંઘો મોટો બુકે દૂર રહેતી તેની માતાને સરનામે મોકલી આપવા જણાવે છે. દુકાનદારને બિલની રકમ આપી તે ગાડી ચલાવવા જતો હતો ત્યાં એની નજર બાજુમાં ઊભી ઊભી રડતી એક નાની છોકરી ઉપર પડી. કુતૂહલતા ખાતર એણે એ નાની છોકરીને શા માટે રડે છે તે પૂછ્યું. છોકરીએ જવાબ આપ્યો કે આજે મધર્સ ડે છે. બધા પોતાની માતાને ફૂલ મોકલે છે અને મારે પણ મારી વ્હાલી માને ફૂલની ભેટ આપવી છે પરંતુ તે ખરીદવા જરૂરી પૈસા મારી પાસે નથી. મારી માને હું ફૂલ આપી શક્તી નથી તેથી મને રડવું આવે છે.
છોકરીની વાત સાંભળી આ ભાઈને છોકરી ઉપર સહાનુભૂતિ થઈ અને પોતાના તરફથી એક નાનો સુંદર બુકે ખરીદી છોકરીને આપ્યો અને પૂછ્યું કે તારે ક્યાં જવું છે? જેથી તેને રસ્તામાં ઉતારી દે. છોકરી ગાડીમાં બેસી ગઈ. થોડે દૂર રસ્તા ઉપર એક કબ્રસ્તાન આવતું હતું ત્યાં આગળ છોકરીએ ગાડી ઊભી રખાવી. તે ઊતરીને સામે કબ્રસ્તાનમાં એક તાજી ખોદેલી કબર ઉપર જઈને ફૂલ મૂકે છે અને ખરા દિલથી ગમગીન ચહેરે કોઈ પ્રાર્થના કરવા લાગી. છોકરીની મૃત મા પ્રત્યેની યાદ તેના ગમગીન ચહેરા પર દેખાઈ આવતી હતી. જાણે અંત:કરણપૂર્વક આભાર માનતી હતી. ગાડીમાં બેઠા બેઠા એ ભાઈએ આ દૃશ્ય જોયું. તેના મનમાં ઝબકારો થયો. તેણે ગાડી ફૂલવાળા પાસે લીધી અને તેની પાસેથી બુકે પરત લઈ અને વિલંબ કર્યા વગર તે સીધા લગભગ સો માઈલ દૂર રહેતી તેની મા પાસે પહોંચી ગયા.
પોતાનો વહાલો દીકરો ઘણા વખતે તેને મળ્યો અને જાતે બુકે લઈને આવેલ જોઈ માની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઈ ગયાં. દર વર્ષે પોસ્ટથી આવતાં ફૂલો અને હાથોહાથ રૂબરૂમાં મળેલાં ફૂલોમાં માને આજે ઘણી સુગંધ દેખાઈ. મા-દીકરો રૂબરૂમાં ઘણાં વર્ષે મળવાથી એકલતા અનુભવતી માતાને આજે ખૂબ આનંદ આવ્યો. પોતાના વહાલા દીકરાને વ્હાલભર્યાં ચુંબનોથી વધાવી લીધો અને ઉજ્જવળ ભવિષ્ય અને તંદુરસ્તી માટે ઈશ્વરને પ્રાર્થના કરી. દીકરાને મનમાં ફીલ થયું કે – મને પ્રત્યક્ષ જોઈને માને કેટલો આનંદ થયો…! સગી માને મળવા મારી પાસે સમય નથી. મારું જીવન અને બધા વ્યવહારો -બધું યંત્રવત્ ચીલાચાલુ બની ગયેલ છે. અંતરના ઉમળકા વગરની શુભેચ્છાઓ કે બનાવટી સ્મિત ધંધામાં કદાચ નભી શકે પરંતુ લોહીના સંબંધોમાં નહીં- તેને સમજાયું –
‘‘મારી ‘મા’ આજે પણ છે. આ મારા શબ્દોના મરોડમાં, આ મારા વિચારોના વમળમાં, આ મારી નસોમાં વહેતા લોહીમાં તેથી જ કહું છું ‘મા’ ભલે તું એકાક્ષરી પણ ‘મા’તું તો સર્વોપરી’’ જેણે જગતને કંઈક આપ્યું છે તે બધાને આપણે ‘મા’કહી. ધરતીએ આપણને અન્ન આપ્યું, પાણી આપ્યું એટલે આપણે એને ‘મા’ કહી. ગાયત્રીએ આપણને પ્રકાશ આપ્યો, આધ્યાત્મિક વિદ્યા આપી, એક જીવનનો રસ્તો બતાવ્યો એટલે ગાયત્રીને ‘મા’ કહી. ગીતાએ આપણને સ્વધર્મનું સર્જન કરીને આપ્યું, ફળની અપેક્ષા વિના કાર્ય કરતો રહે એ ગીતાને આપણે ‘મા’કહી. ગંગાએ આપણને પવિત્રતા આપી એટલે ગંગાને પણ ‘માતા’કહી. આ સંસાર છે પહાડ જેવો, એમાં જો કોઈ વહેતું તત્ત્વ હોય તો તે નદી જેવો માતાનો પ્રેમ….! ભગવાનને ભજવાથી મા નથી મળતી, માને ભજવાથી ભગવાન મળે છે. ત્રણ જગતના નાથ પણ મા વગર અનાથ છે એવો અહોભાવ ધરાવતી એક વ્યક્તિની વાત જોઈએ.
નાનકડા ઘરમાં રહેતો એક યુવાન હીરાનો નવોસવો વ્યાપાર કરતો હતો. આગલા દિવસે આવેલ એક હીરાનું મૂલ્યવાન પડીકું એણે સુરક્ષાની દ્રષ્ટિએ ઘરે કબાટમાં સાચવીને લોકરમાં મૂક્યું હતું. યોગાનુયોગ એવું બન્યું કે બીજા જ દિવસે એક મોટી પાર્ટી બહારગામથી એની દુકાને આવી. હીરાની ખરીદી કરીને તરત જ એણે બીજી મોટી પાર્ટી જોડે સોદો કરવો હતો. સોદો કરવામાં નફો પણ ઊંચો હતો. ગઈકાલે જે હીરા યુવાન પાસે આવ્યા હતા તે જ હીરા જોઈતા હતા. યુવાન હીરા લેવા ઘર તરફ દોડ્યો. પંદર મિનિટમાં જ પાછો આવ્યો અને એણે ગ્રાહક સમક્ષ હાથ જોડ્યા- ‘માફ કરજો, એ હીરા હું તમને અત્યારે આપી શકું એમ નથી.’
‘કેમ શું થયું? શું ઘરમાં હીરા નથી.’ ગ્રાહકે બેબાકળા થઈ પૂછ્યું.
‘હીરા તો ઘરમાં જ છે પરંતુ જે કબાટમાં એ રાખ્યા છે, બરાબર એની બાજુમાં મારાં બીમાર માતાજી સૂતાં છે. એની નિદ્રામાં ખલેલ પહોંચાડ્યા સિવાય કબાટનું દ્વાર ખોલી શકાય એમ નથી માટે એમ હું કરવા માંગતો નથી. માટે એ તત્કાલ આપવા શક્ય નથી.’’ ‘‘પણ… તમારો મોટો નફો ચાલ્યો જશે તેનું શું?’’ ‘‘બીમાર માતાજીના આરામની સામે નફો મારે મન મહત્ત્વનો નથી.’ માને ભક્તિપાત્ર, માને તીર્થધામ ગણતાં પુત્રે ઉત્તર આપ્યો. સજ્જન ગ્રાહક આ યુવકની માતૃભક્તિથી પ્રભાવિત થઈ ગયા. તેમણે કહ્યું- ‘‘હવે તો હું તમારી પાસેથી જ હીરા લઈશ. તમારા જેવા સંસ્કારી આદર્શ પુત્રના હાથે પ્રાપ્ત થયેલ હીરા પણ કેટલા પવિત્ર હશે…!’’
આ ઘટના શું દર્શાવે છે? એ જ કે આત્મીયતાનું વર્તુળ જો મોટું હોય તો નાનકડા ઘરમાં ય માતાપિતા ભારરૂપ નહિ ભક્તિપાત્ર લાગે….! તો વાચકમિત્રો! આખા જગતને ખુશ ન કરી શકીએ તો વાંધો નહીં, એક માતાને ખુશ રાખશો તો પણ જગ જીત્યા. આપણા અસ્તિત્વનો પાયો માતા છે. માતા જેવું છત અને છાંયડો બીજે ક્યાંય નથી. તો ધ્યાન રાખીએ કોઈ સંતાન દ્વારા મા-બાપ દુભાય નહીં-પીડાય નહીં. તેની સેવામાં જ પૂજા-અર્ચના-સ્વર્ગ-પુણ્ય બધું જ સમાયેલું છે, મધર્સ ડેની સાર્થકતા આમાં જ છે. ‘મધર્સ ડે’ની ખૂબ ખૂબ શુભેચ્છા