રાજ્યની નવી સરકારને હવે ચીફ સેક્રેટરી પણ નવા મળશે. વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યાં છે, તેમના સ્થાને એમ.કે. દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં તેઓ સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશીના નિવૃત્ત થયા બાદ તેઓ ચાર્જ સંભાળશે.
એમ.કે. દાસ એટલે કે મનોજ કુમાર દાસ 1990 બેચના ગુજરાત કેડરના સિનિયર આઈએએસ અધિકારી છે. તેમની પાસે ત્રણ દાયકા એટલે કે 30 વર્ષથી વધુનો વહીવટી અનુભવ છે. તેઓ ગુજરાતમાં મહત્ત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યાં છે.
એમ.કે. દાસ મૂળ બિહારના છે. 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં તેમનો જન્મ થયો હતો. તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (ઓનર્સ) ડિગ્રી મેળવી છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે.
આગામી વર્ષ 2026ની 20 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થશે. અગાઉ તેઓ વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે. 2018માં તેઓ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત મરીન બોર્ડના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.