ઇ-કોમર્સ કંપની મિન્ત્રાએ પોતાનો લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે, મુંબઈ સ્થિત એક મહિલા કાર્યકર્તાએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, કંપનીનો લોગો મહિલાઓના માન-સન્માનને ઠેસ પહોંચાડી તેમનું અપમાન કરે છે. કેમ કે આ લોગોમાં નગ્ન મહિલાના પગ જણાય છે. મુંબઈની આ મહિલા કાર્યકરનું નામ નાઝ પટેલ છે.
જે અવેસ્તા ફાઉન્ડેશન એનજીઓમાં કાર્યરત છે. તેમણે કંપની વિરુદ્ધ ફરિયાદ ડિસેમ્બર 2020માં નોંધાવી હતી અને લોગો હટાવવાની સાથે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આ મામલને ઘણા ફોરમ અને સોશિયલ મીડિયા પર પણ ઉઠાવ્યો હતો.
મુંબઇ પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપી રશ્મિ કરનાદિકરે કહ્યું કે, આ ફરિયાદ બાદ અમે મિન્ત્રાને એક ઇમેઇલ મોકલ્યો હતો.
ત્યારબાદ કંપનીના અધિકારીઓ અમને મળવા આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ એક મહિનાની અંદર કંપનીનો લોગો બદલી દેશે.
આ વિવાદ બાદ કંપનીએ તેની વેબસાઇટ, એપ્લિકેશન અને પેકેજિંગ મટિરિયલ્સ પરથી લોગો બદલવાનો નિર્ણય લીધો છે. મિન્ત્રાએ પેકેજિંગ મટિરિયલ્સને નવા લોગો સાથે છાપવાનો આદેશ પણ આપ્યો છે.