ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના મરોલી ગામથી ઓખા જતી એક ખાનગી લક્ઝરી બસ (Bus) ખતલવાડા ઢેકુ ખાડી પાસે ટર્નિંગમાં અચાનક પલટી મારી જતા બસમાં સવાર છ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બસમા 47 લોકો હતા. સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થતા તમામે તથા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના મરોલી ખાતેથી ગુરુવારે બપોરના સમયે એક ખાનગી લક્ઝરી બસ નંબર જી જે -04 એ ટી-9072 ઓખા જવા 47 પેસેન્જર લઈને ઉપડી હતી. મરોલીથી માંડ દસેક કિલોમીટરના અંતરે ખતલવાડા ઢેકુ ખાડી પાસે ટર્નિંગમાં ચાલકે રોડ નીચે બસ ઉતારતા અચાનક જ બસ નીચાણવાળી જગ્યામાં પલટી મારી ગઈ હતી અને બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોટી ગયા હતા. બસમાં સવાર મુસાફરો પૈકી છ એક જણાને નાની મોટી ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. સ્થાનિકો તથા સગા વાલા પણ દોડી આવ્યા હતા અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા ચાર જણાને નજીકની હોસ્પિટલમાં જ્યારે બે જણાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઇજાગ્રસ્ત તમામની તબિયત સુધારા પર હોવાનું અને ઘણાને રજા પણ આપી દેવામાં આવી હતી. આ ખાનગી લક્ઝરી બસ ઉમરગામના મરોલીથી ઓખા જવા નીકળી હતી. બસમાં મોટાભાગના મુસાફરો ઉમરગામ તાલુકાના મરોલી ગામના હતા.