અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં કોવિડના એક દર્દીના બંને ફેફસા નવા બેસડવામાં આવ્યા હતા અને કોઇ દર્દીના બંને ફેફસા નવા નાખવામાં આવ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે.
જેના ફેફસા બદલવામાં આવ્યા હતા તે દર્દી ઇલિનોઇસનો એક ૬૦ના દાયકાની વયનો આરોગ્ય કર્મચારી છે જે મે ૨૦૨૦માં કોવિડ-૧૯ પોઝિટિવ બન્યો હતો. તે એટલી હદે બિમાર પડી ગયો હતો કે તેને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો.
આ રોગના કારણે તેના બંને ફેફસાઓને ભારે નુકસાન થયું હતું અને તેને લંગ ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટ પર મૂકવામાં આવ્યો હતો. તેના ફેફસાઓ બદલવા માટે તેને આ વર્ષના ફેબ્રુઆરીમાં શિકાગોની નોર્થવેસ્ટર્ન મેડિસિન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તેને સાનુકૂળ એક દાતા પણ મળી ગયો હતો, જે દાતા પણ અગાઉ કોવિડનો દર્દી બનીને સાજો થયો હતો. ડોકટરોએ આ દાતાના ફેફસાની બાયોપ્સી કરી હતી અને ફેફસાનું પ્રવાહી ચકાસીને જોયું હતું કે તે સંપૂર્ણપણે વાયરસમુક્ત છે કે કેમ? આના પછી આ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
હોસ્પિટલે જાહેર કર્યું હતું કે વિશ્વની પ્રથમ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ રહી છે. હોસ્પિટલના એસોસીએટ પ્રોફેસર ડૉ. અંકિત ભરતે જણાવ્યું હતું કે આ એક સીમાચિન્હરૂપ પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા હતી.