આવતીકાલે તા. 7 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણના સમયગાળા પહેલાં સૂતક કાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો, પૂજાપાઠ સહિતના ધાર્મિક કાર્યો બંધ રાખવાનો નિયમ છે. તેથી આવતીકાલે રાજ્યના મોટાભાગના મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. ચંદ્રગ્રહણના પગલે રાજ્યના મોટા સુપ્રસિદ્ધ મંદિરો દ્વારા નવો સમયપત્રક જાહેર કરાયું છે.
મોટાભાગના મંદિરોમાં બપોરના સમય પછીની આરતી અને તમામ પૂજાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ સાથે જ બપોર પછી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. ડાકોરનું રણછોડરાય મંદિર બપોરે 2 વાગ્યે, શક્તિપીઠ અંબાજી મંદિર અને ઊંઝા ઉમિયા માતા મંદિર સાંજે 5 વાગ્યે, શામળાજી મંદિર અને બહુચરાજી શક્તિપીઠ મંદિર સાંજે 6 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન નિયમિત સમયે કરી શકાશે
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય ભક્તોની સુવિધા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ પૂજારી પરિવારે જણાવ્યું છે કે, મંદિર સવારે 6:00 થી 12:30 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી 9:30 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.