નવી દિલ્હી: એક મોટી સફળતામાં કૃષિ સંશોધન સંસ્થા આઈસીએઆરની બે સંસ્થાઓએ પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ માટે સ્વદેશી રસી વિકસાવી છે જે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા રાજ્યોમાં ફેલાઈ હતી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર)ની બે સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ રસીનું વ્યાપારીકરણ કરવાની કેન્દ્રની યોજના છે જેથી લમ્પી સ્કીન ડિસીઝ (એલએસડી)ને નિયંત્રણમાં લઈ શકાય જેના કારણે છ રાજ્યોમાં પશુઓના મૃત્યુ થયા હતાં.
8 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાનમાં 2,111 પશુઓના મૃત્યુ નોંધાયા હતાં ત્યારબાદ ગુજરાતમાં 1,679, પંજાબમાં 672, હિમાચલ પ્રદેશમાં 38, અંદમાન અને નિકોબારમાં 29 અને ઉત્તરાખંડમાં 26 પશુઓનાં મૃત્યુ થયા હતાં. આઈસીએઆર-નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન્સ (આઈસીએઆર-એનઆરસીઈ), હિસાર (હરિયાણા) આઈસીએઆર-ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈવીઆરઆઈ), ઇઝતનગર, ઉત્તર પ્રદેશ સાથે મળીને હોમોલોગસ લાઇવ-એટેન્યુએટેડ એલેસડી રસી ‘લમ્પી-પ્રોવેકઈન્ડ’ વિકસાવી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા નવી તકનીકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા તોમરે કહ્યું હતું, ‘પ્રાણીઓને બચાવવા એ આપણી મોટી જવાબદારી છે.’ તેમણે આ રસીની ઉત્પાદન ક્ષમતાને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો જેથી કરીને તે 30 કરોડ પ્રાણીઓને રસી આપવા માટે વહેલી તકે પશુપાલકો સુધી પહોંચે.
કાર્યક્રમથી અલગ રૂપાલાએ પત્રકારો સાથે વાત કરતા આઈસીએઆરના વિજ્ઞાનીઓની પ્રશંસા કરતા કહ્યું હતું, ‘એલએસડી બીમારી સૌપ્રથમ 2019માં ઓડિશામાં દેખાઈ હતી ત્યારથી વિજ્ઞાનીઓ આ રસીને વિકસાવવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. આજે આ રસી લોન્ચ થઈ છે હવે તેને પશુપાલકો અને ખેડૂતો સુધી પહોંચાડવાની ખાતરી કરવાની છે.’