ગાંધીનગર: રાજ્યમાં કચ્છમાં લમ્પી (Lumpy) વાઈરસના કારણે વધુ પશુઓના મૃત્યુ (Death) થતાં મંગળવારે સવારે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ કચ્છની (Kutch) મુલાકાતે દોડી ગયા હતા. તેમણે કચ્છ જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરની ભૂજ ખાતે મુલાકાત લીધી હતી. સમગ્ર જિલ્લામાં ૩૭૮૪૦ પશુઓ લમ્પી સ્કીન ડિસિઝથી અસરગ્રસ્ત થયેલાં છે. આવાં અસરગ્રસ્ત પશુઓને ક્વોરન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે, આ આઈસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર સંભાળ થઈ રહી છે.
ભૂપેન્દ્ર પટેલે ભૂજ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી સવા બે લાખથી વધુ પશુધનનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં જે ૨૦ જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, જેના પગલે 1431 પશુનું મૃત્યુ થયું છે. આ 20 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૬ હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે. જિલ્લા કક્ષાએ આ હેતુસર ૬ લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે.
પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા ૨૨૨ પશુચિકિત્સા અધિકારીઓ, ૭૧૩ પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં, રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને ૧૦૭ સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં કાર્યરત થયા છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ ૧૭૫ લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કચ્છમાં ૯૬૪ ગામોમાંથી ૫૮૫ ગામોના 50 હજાર પશુને લમ્પી રોગની સારવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી લમ્પી રોગની સારવાર-ઉપાયોની સમીક્ષા કરી હતી. કચ્છમાં ૯૬૪ ગામોમાંથી ૫૮૫ ગામોના પશુઓ આ રોગથી અસરગ્રસ્ત છે. ૩૭ હજાર પશુઓ આ રોગનો ભોગ બન્યા છે. આ પૈકી ૩૪૬૭ કેસ જ એક્ટિવ કેસ છે. ૫૦ હજાર પશુઓને સારવાર આપવામાં આવેલી છે. એટલું જ નહીં, ૨.૨૬ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં રોજ ૨૦ હજાર પશુઓનું રસીકરણ કરીને બાકી રહેલા ૩.૩૦ લાખ પશુઓનું સઘન રસીકરણ કરવાનો એક્શન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.