ઉત્તરપ્રદેશ: લખનઉ(Lucknow)ના હઝરતગંજ(Hazratganj)માં એક મોટી દુર્ઘટના સર્જાય છે. ભારે વરસાદ(Heavy Rain)ના કારણે દિલકુશા કોલોનીમાં એક નિર્માણધીન દિવાલ(Wall) ધરાશાય(Collapsed) થતા નવ લોકોના મોત(Death) થયા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિલકુશ કોલોનીમાં જૂની દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જેના માટે મજૂરો રોકાયા હતા. દિવાલનો ભાગ જે પહેલેથી મજબૂત રીતે ઉભો હતો તે જ પડી ગયો હતો. દુર્ઘટનાના કારણે આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગ્ય આદિત્યનાથ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ ગંગવાર દિલકુશા કોલોની પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું હતું તે ગત રાત્રિના સમયે ભારે વરસાદના કારણે નિર્માણધીન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેના પગલે આ અકસ્માત સર્જાયો હતો. બંને ઘાયલોને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સિવિલ હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઝાંસીના રહેવાસી રઘવેન્દ્રએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી. અકસ્માતમાં બેહોશ થઈ ગયેલા એક વ્યક્તિના ફોન પર કોલ આવતા તેઓએ 108ને ફોન કર્યો હતો અને ત્યારબાદ અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
મુખ્યમંત્રી યોગીની સૂચના, અધિકારીઓ તાત્કાલિક રાહત કાર્ય હાથ ધરે
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાના અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લઇ રાહત કાર્ય પર નજર રાખે અને અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડે. તેમણે આપત્તિના કારણે જાનહાનિથી પ્રભાવિત પરિવારોને તાત્કાલિક અનુમતિપાત્ર રાહત રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ જે લોકોના ઘરોને નુકસાન થયું છે અથવા જાનવરોને નુકસાન થયું છે તેમને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે અને જે જિલ્લાઓમાં વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ શકે છે. તેમણે અધિકારીઓને સર્વે કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
લખનૌના સાંસદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું કે લખનઉમાં દિવાલ ધરાશાયી થવાથી ઘણા લોકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુખી છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે હું આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
રસ્તાઓ પર પાણી ભરાયા
યુપીની રાજધાનીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કલેક્ટરાલયથી લઈને વીઆઈપી રોડ પર પાણી ભરાઈ ગયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે શુક્રવારે 16 સપ્ટેમ્બરે લખનૌમાં તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે વહેલી સવારે જાહેર કરાયેલા આદેશ અનુસાર, ધોરણ 12 સુધીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ બંધ રહેશે.
વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી
ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં પણ વધારો થયો છે. વરસાદે મહાનગરપાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ કલાકો સુધી બ્લોક થઈ ગયા હતા. અને નીચલી વસાહતો છલકાઈ ગઈ હતી. પાકી પુલ, ફૈઝુલ્લાગંજ, જાનકીપુરમ એક્સ્ટેંશન, ઈસ્માઈલગંજ, આલમબાગ, અલીગંજ, વિકાસનગર, ઠાકુરગંજ, ગોમતી નગર એક્સટેન્શન અને પારા સહિતના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ વચ્ચે ભટોઈયા ગામ પાસે હરદોઈ રોડની બાજુમાં એક લીમડાનું ઝાડ પડી ગયું હતું. જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. પોલીસે વૃક્ષને હટાવ્યા બાદ જ વાહનવ્યવહાર પૂર્વવત થઈ શક્યો.