લખનઉ: લખનઉમાં (Lucknow) આવેલો લુલુ મોલમાં (Lulu Mall) નમાઝથી શરૂ થયેલો વિવાદ હવે હનુમાન ચાલીસા સુધી પહોંચી ગયો છે. મોલ પરિસરમાં પ્રવેશ્યા પછી કેટલાક લોકોએ અચાનક હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કર્યું, જેના પછી પોલીસે (Police) બે લોકોની ધરપકડ (Arrest) કરી છે. પોલીસે આ મામલામાં જણાવ્યું કે પહેલા કેટલાક લોકો મોલમાં પ્રવેશવા માટે બહાર હોબાળો મચાવી રહ્યા હતા, ત્યારે અચાનક 2 લોકો અંદર આવ્યા અને હનુમાન ચાલીસા વાંચવા લાગ્યા. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને યુવકો બરાબર એ જ જગ્યાએ બેઠા હતા જ્યાં પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં કોઈ ધાર્મિક કાર્યની મંજૂરી નથી.
યુપી પોલીસે જણાવ્યું કે લખનઉમાં કલમ 144 પહેલેથી જ લાગુ કરવામાં આવી છે. આ આરોપીઓના આ ઉલ્લંઘન બદલ ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ હિન્દુ મહાસભાના પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ શુક્રવારે સાંજે સુંદરકાંડના પાઠ કરવાની જાહેરાત કરી હતી. પોલીસનું કહેવું છે કે કલમ 144 લાગૂ હોવા છતાં કેટલાક લોકો પરવાનગી લીધા વગર મોલમાં ધાર્મિક કાર્ય કરવા માંગતા હતા. આથી તેમની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. લખનઉના લુલુ મોલમાં નમાઝ અદા કરવાના મામલામાં મોલ મેનેજમેન્ટે નમાઝીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. લુલુ મોલની ફરિયાદ પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ?
10 જુલાઈ, રવિવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લુલુ મોલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ 12 જુલાઈ, મંગળવારે એક વીડિયો સામે આવ્યો, જેમાં કેટલાક લોકો લુલુ મોલના કેમ્પસમાં નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ ભારે વાંધો ઉઠાવ્યો હતો. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિશિર ચતુર્વેદીએ કહ્યું હતું કે, ‘લુલુ મોલમાં લોકોએ જમીન પર બેસીને નમાજ અદા કરી હતી, આ વીડિયોએ સાબિત કર્યું છે કે લુલુ મોલમાં સરકારી આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કારણ કે સરકાર શરૂઆતથી જ જાહેર સ્થળોએ નમાઝ પઢતી નથી.
લુલુ મોલ દેશનો સૌથી મોટો મોલ
નોંધનીય છે કે લુલુ મોલ દેશનો સૌથી મોટો મોલ છે, જે સુશાંત ગોલ્ફ સિટીમાં બનેલો છે. આ મોલ 2.2 મિલિયન સ્ક્વેર ફૂટમાં બનેલો છે. અહીંનું સૌથી ખાસ લુલુ હાઇપર માર્કેટ છે. આ સાથે અનેક બ્રાન્ડના શોરૂમ પણ ખોલવામાં આવ્યા છે. મોલમાં 15 રેસ્ટોરન્ટ અને કાફે છે. 25 બ્રાન્ડ આઉટલેટ્સ સાથે ફૂડ કોર્ટ પણ છે, જેમાં 1600 લોકો એકસાથે બેસી શકે છે.