નવી દિલ્હી: અબુ ધાબી સ્થિત લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ (LuLu Group International) આગામી વર્ષોમાં ભારતમાં (India) મોટા પાયે રોકાણ (Invest) કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે લખનઉમાં (Lucknow) આવેલ લુલુ મોલ ધાર્મિક કારણોસર હાલ ચર્ચામાં છે. લખનઉમાં શરૂ થયેલો આ મોલ ભારતમાં રૂ. 14,000 કરોડનું રોકાણ કરશે. ફેબ્રુઆરી 2018માં લખનઉમાં લુલુ મોલની જાહેરાત સમયે, લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ.એ. યુસુફ અલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની રોકાણ યોજનાઓ વિશે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ ગ્રુપે ભારતમાં રોકાણ માટે $2 બિલિયન (14,000) કરોડ ફાળવ્યા છે. જણાવી દઈએ કે લખનઉના લુલુ મોલમાં 2,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. લુલુ ગ્રુપ વારાણસી, પ્રયાગરાજ અને ગ્રેટર નોઈડામાં તેના નવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેકટના કારણે દેશમાં રોજગારીની તકો પણ વધશે. લુલુ ગ્રૂપ ભારતમાં પોતાનો બિઝનેસ વધારવા માટે કેરળમાં ત્રણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. કેરળના પલક્કડમાં લુલુ હાઇપરમાર્કેટ, કાલિકટમાં લુલુ મોલ અને કોટ્ટાયમમાં એક મોલ પણ ખોલવાની તૈયારીમાં છે. તિરુવનંતપુરમ અને કોચીમાં પહેલાથી જ બે લુલુ મોલની સ્થાપના કરવામાં આવી છે. બેંગલુરુમાં એક ગ્લોબલ મોલ પણ છે. જણાવી દઈએ કે લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલનું વાર્ષિક ટર્નઓવર $8 બિલિયન છે. 22 દેશોમાં તેમનો વ્યાપાર ફેલાયેલો છે.
લખનઉમાં સ્થિત લુલુ મોલ 2.2 મિલિયન સ્ક્વેર ફૂટમાં વિસ્તરેલો છે. લુલુ હાઇપર માર્કેટ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઘણી બ્રાન્ડ્સના શોરૂમ પણ ખોલવામાં આવ્યા છે. આ મોલમાં 15 રેસ્ટોરાં અને કાફે છે. આ સાથે 25 બ્રાન્ડેડ આઉટલેટ્સ સાથે ફૂડ કોર્ટ પણ છે. જેમાં એકસાથે દોઢ હજારથી વધુ લોકો બેસી શકે છે. લુલુ મોલ લખનઉનો સૌથી મોટો મોલ છે, જે સુશાંત ગોલ્ફ સિટીમાં બન્યો છે.
લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના એમડી એમ.એ યુસુફ અલી 2021માં 38મા સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતિ બન્યા હતા. યુસુફ અલી કે જેઓ કેરળના થ્રિસુર જિલ્લાના વતની છે તેઓ અબુ ધાબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ADCCI) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે ચૂંટાયેલા પ્રથમ પ્રવાસી હતા. મળતી માહિતી મુજબ લુલુ ગ્રુપનો બિઝનેસ મધ્ય પૂર્વ, એશિયા, અમેરિકા અને યુરોપના 22 દેશોમાં ફેલાયેલો છે. તેનું મુખ્ય મથક UAEની રાજધાની અબુ ધાબીમાં છે. યુસુફ અલીએ 1990ના દાયકામાં ગલ્ફ વોરની ચરમસીમાએ તેનું પ્રથમ લુલુ હાઇપરમાર્કેટ ખોલ્યું હતું. યુસુફ અલી પોતાના બિઝનેસને નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે. લખનઉમાં આવેલ લુલુ મોલ પણ તેનો જ એક મહત્વનો ભાગ છે. આજે તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓમાં સામેલ છે.