ગઈકાલે રાત્રે IPLમાં ફરી એ જ દ્રશ્ય જોવા મળ્યું જે ગયા વર્ષે આખી દુનિયાએ જોયું હતું. ચાલુ સિઝનની પહેલી મેચ હાર્યા બાદ લખનૌના નવા કેપ્ટન ઋષભ પંતનો ફ્રેન્ચાઇઝના માલિક સંજીવ ગોએન્કાએ ‘ક્લાસ’ લગાવી દીધો હતો. તે બાઉન્ડ્રીની બહાર ડગઆઉટની સામે રિષભ સાથે કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.
સંજય અને રિષભ પંત વચ્ચેની વાતચીતના ફોટા, વીડિયો વાયરલ થયા છે. આ ફોટા અને વીડિયો જોઈ ચાહકો એવો ક્યાસ લગાવી રહ્યાં છે કે સંજીવ ગોએન્કાએ પંતનો ક્લાસ લીધો છે. કેએલ રાહુલની જેમ સંજીવે રિષભ પંતને પણ હાર માટે ખરીખોટી સંભળાવી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી.
ગઈકાલે તા. 24 માર્ચે લખનૌ સુપર જાયન્ટ્સે 18મી સીઝનની પોતાની પહેલી મેચ રમી હતી. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે ટીમ છેલ્લી ઓવરમાં હારી. આ મેચ ઋષભ પંત માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. 27 કરોડ રૂપિયાની બોલી સાથે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રિષભ લખનૌ માટે પોતાની પહેલી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બાદમાં જો તે છેલ્લી ઓવરમાં સ્ટમ્પિંગ ચૂકી ન ગયો હોત, તો લખનૌ મેચ જીતી ગયું હોત.
આ મેચમાં LSG ના નવા કેપ્ટન ઋષભ પંતે ફરી એકવાર પોતાની વિકેટ ફેંકી દીધી. તેણે 6 બોલમાં 0 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે તેને બાઉન્ડ્રી પર ફાફ ડુ પ્લેસિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બેટિંગમાં ફ્લોપ રહ્યા બાદ રિષભ વિકેટ કીપિંગમાં પણ નિષ્ફળ ગયો.
છેલ્લી ઓવરમાં જ્યારે દિલ્હી કેપિટલ્સને છ રનની જરૂર હતી અને તેણે નવ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે પંતે શાહબાઝ અહેમદના પહેલા જ બોલ પર મોહિત શર્માને સ્ટમ્પ કરવાની સુવર્ણ તક ગુમાવી દીધી. નહીંતર મેચ લખનૌ જીતી ગઈ હોત.
દિલ્હી કેપિટલ્સે ‘ઈમ્પેક્ટ સબ’ આશુતોષ શર્મા દ્વારા રમાયેલી 31 બોલમાં અણનમ 66 રનની ઇનિંગની મદદથી 19.3 ઓવરમાં એક વિકેટે મેચ જીતી લીધી. આશુતોષે શાહબાઝ અહેમદના બોલ પર ગગનચુંબી છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન પાંચ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા.
