Sports

લખનઉ સુપર જાયન્ટ્સ આજે મુંબઇ ઇન્ડિયન્સની રિધમ તોડવા માગશે

લખનઉ : આઇપીએલમાં (IPL) મંગળવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામે મેદાને પડશે ત્યારે તેમનો ઇરાદો મુંબઇની જીતની રિધમને તોડવાનો રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા જ્યારે લખનઉ 13 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. બંને ટીમો જોખમમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરશે કારણ કે આઠ ટીમ પ્લે-ઓફની રેસમાં જળવાયેલી રહી છે.

મુંબઇ ઇન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવ તેના આકર્ષક ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે અગાઉની બે મેચમાં મુંબઈની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. તિલક વર્માની ગેરહાજરીમાં, મુંબઈને નેહલ વાધેરામાં એક સક્ષમ રિપ્લેસમેન્ટ મળ્યું છે, જે મોટા મંચ પર દરેક તકનો લાભ ઉઠાવી રહ્યો છે. બોલિંગ મોરચે, અનુભવી સ્પિનર ​​પીયૂષ ચાવલા અને આકાશ માધવાલે ટીમ માટે યોગ્ય ભૂમિકા ભજવી છે. જો કે જોફ્રા આર્ચરના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે આવેલો ક્રિસ જોર્ડન ડેથ બોલિંગમાં ચિંતાનો વિષય બન્યો છે. ઇકાના સ્ટેડિયમ પરની મેચ ઓછા સ્કોરિંગ વાળી રહેવાની સંભાવના સાથે બંને ટીમના સ્પીનર મેચનું ભાવિ નક્કી કરી શકે છે. રવિ બિશ્નોઈ એલએસજી માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને કેપ્ટન કૃણાલ પંડ્યાએ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કરેલી બોલિંગ અસરકારક સાબિત થઇ હતી. અનુભવી સ્પિનર ​​અમિત મિશ્રા પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમતમાં આવે તેવી અપેક્ષા છે.

Most Popular

To Top