Sports

બાર્સેલોનાએ 2019 પછી પહેલીવાર લિયોનેલ મેસી વગર લા લીગા ટાઇટલ જીત્યું

મેડ્રિડ: બાર્સેલોનાએ (Barcelona) 2019 પછી લિયોનલ મેસી (Lionel Messi) વગર પહેલીવાર લા-લીગા ટાઇટલ (La-Liga title) જીત્યું હતું. બાર્સેલોનાએ રવિવારે મોડી રાત્રે એસ્પાનિયોલને 4-2થી હરાવીને પોતાનું ટાઇટલ જીતવાનું સુનિશ્ચિત બનાવી લીધું હતું. બાર્સેલોનાની આ 27મી સ્પેનિશ ચેમ્પિયનશિપ જીત રહી હતી. બાર્સેલોના માટે રોબર્ટ લેવાન્ડોસ્કીએ બે. જ્યારેએલેજાન્ડ્રો બાલ્ડે અને જુલ્સ કુંડેએ એક-એક ગોલ કર્યા હતા.

મેચની 11મી મિનિટે એલેજાન્ડ્રો બાલ્ડેના પાસ પર ગોલ કરીને લેવાન્ડોવસ્કીએ ટીમનું ખાતું ખોલાવ્યું હતું. નવ મિનિટ પછી, 19 વર્ષીય એલેજાન્ડ્રો બાલ્ડે ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી. આ લીગમાં તેનો પ્રથમ ગોલ હતો. મેચની 40મી મિનિટે લેવાન્ડોવસ્કીએ રાફિન્હાના પાસને કન્વર્ટ કરીને ટીમનો ત્રીજો અને પોતાનો બીજો ગોલ કર્યો હતો. આ ગોલ સાથે, લેવાન્ડોવસ્કીએ લીગમાં 21 ગોલ કરીને આ સિઝનમાં લીગમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં ટોચ પર પહોંચી ગયો છે. જુલેસ કુંડેએ 53મી મિનિટે ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. એસ્પાન્યોલ માટે, જાવી પુઆડો અને જોસેલુએ બે ગોલ કરીને હારનો માર્જિન ઘટાડ્યો હતો.

લા લીગાની હજુ ચાર મેચ બાકી છે ત્યારે બાર્સેલોના ટોચ પર પહોંચી ગઈ છે. બાર્સેલોનાના 34 મેચમાં 85 પોઈન્ટ છે. તે મેડ્રિડ કરતા 14 પોઈન્ટથી આગળ છે. શનિવારે રમાયેલી મેચમાં રિયલ મેડ્રિડને ગેટવે સામે 1 ગોલથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 34 મેચમાં 71 પોઈન્ટ છે.

બાર્સેલોનાની જીતથી રોષિત એસ્પેનિયોલના ફેન્સે ગ્રાઉન્ડમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો
આ જીત બાદ બાર્સેલોનાના ખેલાડીઓને એસ્પેનિયોલના ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાર્સેલોનાના ખેલાડીઓ જીત બાદ મેદાનની મધ્યમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કેટલાક પ્રશંસકોએ મેદાનમાં ઘૂસીને ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા ગાર્ડ બાર્સેલોનાના ખેલાડીઓને સુરક્ષિત લોકર રૂમમાં લઈ ગયા.

Most Popular

To Top