એક યુવાન અને યુવતી એકબીજાને પ્રેમ કરે છે.બહુ પ્રેમ કરે છે. એક દિવસ પ્રેમની મસ્તીમાં યુવતી યુવાનને પૂછે છે કે શું હું સુંદર છું?’યુવાન કહે છે, ‘ના.’યુવતી સમજે છે કે તે મજાક કરે છે અને પ્રેમના કેફમાં આગળ પૂછે છે, ‘શું તું આખી જિંદગી મારી સાથે રહીશ?’યુવાન કહે છે,‘ના.’ યુવતી મનમાં મૂંઝાય છે, થોડીક નિરાશ થાય છે અને ગુસ્સામાં આગળ પૂછે છે કે, ‘જો તને મારી જરૂર જ નથી તો હું તને છોડી જાઉં કે હું આ દુનિયા છોડી જાઉં તો તું રડીશ?’યુવાને ફરી કહ્યું,‘ના.’ યુવતીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફરી પૂછ્યું, ‘બે આંસુ પણ નહિ.’યુવાને કહ્યું, ‘ના.’
યુવતી જોર જોરથી રડવા લાગી અને બોલવા લાગી, ‘તું મને પ્રેમ કરતો જ નથી. શું તું બીજી કોઈ યુવતીને પ્રેમ કરે છે? યુવાને કહ્યું, ‘ગાંડી, હું તને અને માત્ર તને જ પ્રેમ કરું છું અને બહુ પ્રેમ કરું છું.’યુવતી વચ્ચે બોલી, ‘તું કયાં પ્રેમ કરે છે? તને તો હું સુંદર નથી લાગતી.તારે મારી સાથે આખી જિંદગી રહેવું નથી અને હું મરી જાઉં તો તું રડવાનો પણ નથી.’
યુવાન બોલ્યો, ‘મારી ગાંડી, તું મને સુંદર નથી લાગતી કારણ કે તું મારા માટે દુનિયાની સૌથી સુંદર પરી છે અને તું નહિ તારું દિલ પણ અતિ સુંદર છે.’ યુવતી ખુશ થઇ પણ છણકો કરતાં બોલી, ‘એમ તો પણ તારે કયાં મારી સાથે આખી જિંદગી રહેવું છે?’યુવાન બોલ્યો, ‘મારે તારી સાથે આખી જિંદગી રહેવું નથી.મારે જિંદગીની એક એક પળ તારી સાથે જીવવી છે.માણવી છે, માત્ર વિતાવવી નથી સમજી અને હા મને છોડી જવાની કે મરવાની વાત ક્યારેય કરતી જ નહિ કારણ કે તું મને છોડી જઈશ તો હું રડી પણ નહિ શકું કારણ કે તારા વિના તો મરી જ જઈશ.’યુવતી યુવાનના હોઠો પર આંગળી મૂકી તેને ચૂપ કરતાં ભેટી પડી. પ્રેમ હોય તો આવો હોવો જોઈએ. આવી પ્રેમસભર વાતો અને સાચો પ્રેમ જે કરી શકે અને એકમેકને સાચા મનથી ચાહી શકે તેઓ પોતાના ઘરને,પરિવારને, સમાજ અને દુનિયાને પ્રેમસભર સ્થળ બનાવે છે. પ્રેમ કરતાં રહો. એકબીજાને ચાહતાં રહો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે