Columns

તમારા શત્રુઓને પણ ચાહો : ઈસુ ખ્રિસ્ત

ઇસુ ખ્રિસ્તની સોચ સામાન્ય માણસો કરતાં ઘણી ઊંચી હતી. તેઓ કહે છે, ‘તમારા શત્રુઓને પણ ચાહો.’ પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે : ‘Tit for tat.’ જેવા સાથે તેવા. અહીં બદલો લેવાની ભાવના ઉજાગર થાય છે. તેથી ઊલટું ઈસુ કહે છે : શત્રુ સાથે નફરત નહીં પણ પ્યારથી કામ લેવું. આમ કરવાથી શત્રુ શરમનો માર્યો ભોઠો પડશે અને સંબંધ જળવાઈ રહેશે. ઈસુએ કહ્યું હતું કે, ‘આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત’ એમ કહેલું છે તે તમે જાણો છો. એથી ઊલટું હું તમને કહું છું કે તમારું બૂરું કરનારનો સામનો કરવો નહીં.

આગળ ઈસુએ કહ્યું કે ‘તમારા મિત્ર પર પ્રેમ રાખો અને તમારા શત્રુ ઉપર દ્વેષ રાખો એમ કહેલું છે’ તે તમે જાણો છો પણ હું તમને કહું છું કે ‘તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો.’ ઈસુ ભગવાનની આ આજ્ઞા જરૂર અદભુત છે, પણ તેને આચરણમાં મૂકવું ખૂબ જ અઘરું છે પરંતુ થોડું કષ્ટ વેઠીને તેનું આચરણ કરવામાં આવે તો માણસ અજાતશત્રુ બને અને બધેથી પ્રેમ હાંસલ કરી શકે છે.

ભગવાન ઈસુએ શત્રુને નફરત કરવાને બદલે પ્રેમ કરવાનો મંત્ર આપ્યો. તેમણે માત્ર મંત્ર આપીને જ સંતોષ માન્યો નથી પણ પોતે પણ તેમના જીવન દરમયાન તેને આચરણમાં મૂક્યો હતો. તેમને શૂળી પર ચઢાવવામાં આવ્યા ત્યારે પીડાથી કણસતાં કણસતાં પણ ઈશ્વરને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ તેઓને માફ કર. કેમ કે તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી.’ કેટલી ઉદ્દાત્ત ભાવના! ઈસુની આ ચેષ્ટા અંગે પ્રતિભાવ આપતાં મહાન ચિંતક રજનીશજીએ પ્રતિભાવ આપતાં કહ્યું છે કે, ‘જે ઘડીએ ઈસુ ખ્રિસ્તે આ શબ્દો ઉચ્ચાર્યા તે જ ઘડીએ તેઓ ભગવાન બની ગયા!’ સંત પીટરે આના સંદર્ભમાં કહ્યું છે કે, ‘બૂરાઈનો બદલો બૂરાઈથી વાળવો નહિ.

ગાળ દેનારને ગાળ દેશો નહિ, બલકે આશીર્વાદ આપજો. જેથી તમે પણ ઈશ્વરના આશીર્વાદ પામો.’ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, ‘જેણે સારા દિવસો જોવા હોય તેમણે બૂરાઈથી દૂર રહેવું અને ભલાઈ કરવી.’ સંત પાઉલે રોમનોને લખેલ તેમના પત્રમાં જણાવ્યું છે કે શાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રભુ કહે છે : બદલો લેવો એ મારું કામ છે. હું જ બદલો વાળીશ’ પણ તમારે તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, ‘તમારો દુશ્મન જો ભૂખ્યો હોય તો તેને ભોજન કરાવવું, તે તરસ્યો હોય તો તેને પાણી પાવું.’

શીખોના 10મા ધર્મગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મની ગાદી પર હતા, ત્યારે મોગલ બાદશાહો દ્વારા શીખો પર તવાઈ ઉતારી અને ઔરંગઝેબના વખતમાં તો જુલમોએ માઝા મૂકી. ગુરુ ગોવિંદસિહે આ જુલમોનો સામનો કરવા નક્કી કર્યું. તેમણે પ્રતિજ્ઞા લીધી કે, ‘સવા લાખની સામે લડવા નીકળે તેવા એક એક શીખ સિપાહીને હું તૈયાર કરું, તો જ મારું નામ ગોવિંદસિંહ.’ ગુરુએ હાકલ કરી અને તેમના એક બોલ પર મરી ફીટવા હજારો જુવાનો થનગની રહ્યા હતા. આવા સમયે એક વૃદ્ધ આદમી ગુરુ ગોવિંદસિંહ પાસે આવ્યો અને બે હાથ જોડી કહ્યું, ‘ગુરુ સાહેબ, મારે લડાઈના મેદાનમાં જવું છે. મને આજ્ઞા આપો.’ ગુરુ તો આ વૃદ્ધ સામે જોઈ રહ્યા.

તેનો દેહ હાડપિંજર જેવો સૂકલકડી હતો. તેનાં અંગો ધ્રૂજતાં હતાં. ગુરુએ કહ્યું, ‘બાબા, તમે રણમેદાનમાં જઈને શું કરશો? તમારામાં તલવાર ઉપાડવાની પણ શક્તિ નથી!’ વૃદ્ધે કહ્યું, ‘મારા ગુરુ માટે હું માથું ઉતારી આપીશ.’ થોડો વિચાર કરીને ગુરુએ કહ્યું, ‘લડાઈના મેદાનમાં ઘાયલ સૈનિકોને પાણી પાવાનું કામ તમારું.’ વૃદ્ધ તો રાજી રાજી થઈ ગયો. પાણીની મશક ખભે ઉપાડીને નીકળી પડ્યો પણ કેટલાકને આ વૃદ્ધની હાજરી કઠવા લાગી.

ગુરુ સુધી ફરિયાદો પહોંચી. ગુરુએ સરદારોને પૂછ્યું, ‘શું તે કામ બરાબર નથી કરતો?’ જવાબ મળ્યો કે કામ તો એના જેવું કોણ કરે? મણ મણની મશક ઉપાડીને દોટ મૂકે છે. તરસ્યાનું નામ સાંભળીને ઘમાસાણ મચાવે છે. ‘તો વાંધો શું છે?’ ગુરુએ પૂછ્યું. ‘ગુરુવર, એ ઘાયલ શીખને જ નહીં પણ દોડીને દુશ્મનને પણ પાણી પાય છે. તેને ના પાડવામાં આવે છે, પણ તે કોઈનું માનતો નથી. ગુરુવર, એ તો મુસલમાન સિપાઈઓના માથા પર પ્યારથી હાથ ફેરવે છે એ જોયું જતું નથી.’ ગુરુ ગોવિન્દસિંહે આ વૃદ્ધને બોલાવીને શીખ સરદારોની હાજરીમાં પૂછ્યું, ‘બાબા તમારા વિરુધ્ધ ફરિયાદ આવી છે. તમે મુસલમાનોને પણ પાણી પાઓ છો?’

વૃદ્ધે જવાબ આપ્યો, ‘દશમ પાદશાહ, હું તો આપની આજ્ઞાનું પાલન કરું છું. પાણી! પાણીનો પોકાર જે કોઈ કરે તેને પાણી પાવા હું દોડી જાઉં છું. મને બીજી કોઈ ખબર નથી.’ ગુરુએ વૃદ્ધના ધ્રૂજતા હાથ પોતાના હાથમાં લઈને આનંદ અને પ્રેમથી લાગણીસભર અવાજે કહ્યું, ‘બાબા! તમે તો શીખ ધર્મને ઉજાળ્યો. ધન્ય છે! મોતને બારણે કોઈ ભેદ નથી. પાણી માટે તરફડતા હરકોઈ સૈનિકને તમતમારે ખુશીથી પાણી પાજો અને આ સરદારોના લોખંડી દિલમાં પણ તમારું પ્રેમજળ સિંચ્યા કરજો!’

Most Popular

To Top