હિમાલયની કંદરાઓમાં એક સિદ્ધ સાધુ રહે. સાવ અલગારી મસ્ત જીવ.જે મળે તેની સાથે વાતો અને જે મળે તે ખાઈ લે.જે મળે તેની સાથે તે ક્ષણનો આનંદ માણી હરિભક્તિમાં મગ્ન પોતાના રસ્તે આગળ વધી જાય.ન કોઈને બંધનમાં બાંધે અને ન કોઈ બંધન સ્વીકારે. પણ મહાત્માને મળનાર તેમના જ્ઞાન,પ્રેમમાં આપોઆપ બંધાઈ જાય અને મહાત્માની સાથે થઇ જાય.ઘણા તેમને પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપે અને કહે, અમને માર્ગદર્શન આપવા અમારી સાથે પધારો…અને ઘણા પોતે જ હિમાલયમાં રોકાઈ જાય અને મહાત્માજીના પગ પકડી કહે કે હવે તમે જ અમારો સહારો છો.તમે જ અમારા જીવનનો ઉદ્ધાર કરી શકો એમ છો. અમને પાર ઉતારો.આવું જયારે જયારે થાય ત્યારે સિદ્ધ સાધુ જો બેઠા હોય તો ઊભા થઈ જાય અને ચાલવા લાગે; લોકો પગે પડીને અટકાવે ત્યારે હસીને કહે, ‘હું કોઈ જ્ઞાની મહાત્મા નથી.
તમારી જેમ જ ઈશ્વરે સર્જેલો એક માણસ છું.ઈશ્વરે મારા પર કૃપા કરી છે. મને જીવનનું સાચું જ્ઞાન આપ્યું છે અને મારા હદયમાં ભરપૂર પ્રેમ આપ્યો છે.ઈશ્વરે મને આપ્યું છે તે જ્ઞાન અને પ્રેમ હું બધામાં વહેંચું છું.તમારે મને મેળવવાની,મને આજીજીઓ કરી તમારી સાથે લઇ જવાની કે અહીં મારી સાથે રહીને મારી સેવા કરવાની કોઈ જરૂર નથી.જો તમારે મારા જેવા થવું હોય, મારા જેવી નિજાનંદ મસ્તી અને ભક્તિનો આનંદ લેવો હોય..ઈશ્વરનો અનુભવ કરવો હોય તો તમે પણ કરી શકો.સાચો આનંદ મેળવવા માટે જીવન અને મનને ઈશ્વરીય ચેતનાનો સ્પર્શ થાય તે જરૂરી છે. તે મારા રૂપે તમને મળે કે અન્ય કોઈના રૂપમાં ….તમારે તે ઈશ્વરીય ચેતનામાં રહેલા ગુણ અને પરમ તત્ત્વનો સ્વીકાર કરવાનો છે.બધાને પ્રેમ કરવાનો અને બધાનો કોઈ અપેક્ષા વિના;જેવા છે તેવા સ્વીકાર કરવાનો ઈશ્વરીય ગુણ અપનાવવાની જરૂર છે.
જો આ ગુણ તમે અપનાવી લેશો તો ઈશ્વરની સમીપ જવાનો અનુભવ થશે.મારી સમીપ આવવાથી શું થશે …થોડો વધુ આનંદ મળશે, પણ જયારે આ નશ્વર શરીર નહિ રહે ત્યારે બહુ દુઃખ થશે.કોઈ પણ ઈશ્વરીય ચેતના ધરાવતા વ્યક્તિને ચાહો પણ તેથી વધુ પ્રેમ કરો તેની અંદર રહેલા ગુણોને જે તેને ઈશ્વરે આપેલા છે.વ્યક્તિને નહિ. વ્યક્તિમાં રહેલા ગુણોને ચાહો, તેઓ સ્વીકાર કરી તેને જીવનમાં અપનાવો તો જ તમે ખરા અર્થમાં તે વ્યક્તિમાં રહેલી ઈશ્વરીય ચેતનાને પામી શકશો.તમારા ઘરમાં બેઠા બેઠા મને હિમાલયમાં મળી શકશો. જો મને નહિ, મારા ગુણનો સ્વીકાર કરી જીવનમાં અપનાવશો.’ આટલી જીવન અને ભક્તિ વિશેની અઘરી સમજ આપી સાધુ મહારાજ એક ક્ષણ પણ રોકાયા વિના આગળ વધી જતા.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.