દમણ (Daman): સંઘપ્રદેશ (UT) દમણમાં લવ જેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાવી લઈ જવાની ફિરાકમાં જ હતો ત્યાં જ હિન્દુ સંગઠનોએ યુવાન અને તરૂણીને પકડી પાડી પોલીસના હવાલે કરતાં તરૂણીના માતા-પિતાની ફરિયાદને પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.
શનિવારે બપોરે દમણમાં રહેતી 13 વર્ષની હિન્દુ તરૂણી ઘરનો દરવાજો બહારથી ધીરેથી બંધ કરી ચોરી છુપી કંપાઉન્ડ વોલને કુદીને જઈ રહી હતી. જ્યાં બિલ્ડીંગનાં વોચમેને તેને આ રીતે ક્યાં જાય છે એમ પુછ્યું હતું. પરંતુ તરૂણીએ થપ્પો દાવ રમી રહ્યા હોવાનું જણાવતા વોચમેને આ વાતને સહજતાથી લઈ તે પોતાનું કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તરૂણીના માતા-પિતાએ તરૂણીની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે વોચમેને બપોરે તરૂણી થપ્પો દાવ રમી રહ્યાની વાત કરી દિવાલ કુદી જતી હોવાની વાત મા-બાપને કરતાં તરૂણીના પરિવારજનો અને અન્ય લોકો દમણમાં તેની શોધખોળ આદરી હતી. તેનો પત્તો નહીં લાગતા આખરે માતા-પિતાએ નાની દમણ પોલીસ મથકે પહોંચી ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, એક વિધર્મી યુવક તેને લઈ ગયો હોવાની માહિતી મળતા પોલીસે યુવકના મા-બાપને બોલાવી પુછપરછ હાથ ધરી હતી. મોડી રાત્રે હિન્દુ સંગઠનોએ વિધર્મી યુવાનને તરૂણી સાથે પકડી પાડી પોલીસ મથકે લઈ આવ્યા હતા. બનાવની વાત વાયુવેગે પ્રદેશના અન્ય હિન્દુ સંગઠનોની (Hindu Organizations) સાથે સમાજ કલ્યાણ વિભાગની (Social Welfare Department) ટીમને પણ થતાં તેઓ પણ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.
સમાજ કલ્યાણ વિભાગની ટીમે તરૂણીનું જરૂરી કાઉન્સિલિંગ કરી તેને તેના મા-બાપને સુપરત કરી હતી. જ્યારે પોલીસે મામલાની ગંભીરતાને જોતા તરૂણીને ભગાવી લઈ જવાના ગુનામાં મોડી રાત્રે ખારીવાડની તારા ટેરેસ બિલ્ડીંગના ફ્લેટ નં.505 માં રહેતા અને મૂળ આસનસોલ, વેસ્ટ બંગાલનો રહેવાસી 19 વર્ષિય રોની ઉર્ફે રાજીવ ગફરખાનની ધરપકડ કરી કલમ 363, 354 (ડી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેશમાં આ પ્રકારના વધતા કેસના પગલે ઘણા રાજ્યોના લોકો તેમના રાજ્યોમાં લવ જેહાદને રોકવા તાત્કાલિક કાયદો બને એવી માંગ કરી રહ્યા છે. જણાવી દઇએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) પણ ટૂંક સમયમાં રાજ્યમાં લવ-જેહાદ રોકવા કાયદો આવશે એવી જાહેરાત કરી છે.