આજે મેઘવ અને મેહાલી માટે મહત્ત્વનો દિવસ હતો. આજે ત્રણ વર્ષની પ્રતીક્ષા પછી મેઘવને પ્રમોશન મળવાની શક્યતા હતી. છેલ્લાં ત્રણ વર્ષથી મેઘવ લાયક હોવા છતાં કોઈ ને કોઈ કારણસર પ્રમોશન બીજાને મળતું અને મેઘવને નહીં. મેઘવ મુંઝાતો, નાસીપાસ થતો પણ મેહાલી તેને સાચવી લેતી, હિંમત આપતી અને ‘દરેક સંજોગોમાં હું તારી સાથે જ છું અને આપણે સાથે છીએ તો પછી દુઃખી શું કામ થવું… પ્રમોશન આજે નહીં ને કાલે મળશે’ એમ કહી મેઘવને ખુશ કરતી. કોઈ ખોટી માંગ ન કરતી અને મેઘવ પ્રમોશન મેળવવા મહેનત ચાલુ રાખતો કારણ તેની ઈચ્છા મેહાલીને વધુ ને વધુ ખુશ રાખવાની હતી. મેહાલીની દરેક ઈચ્છા તેને પૂરી કરવી હતી.
આજે સવારથી મેઘવનું મન થોડું ઉચાટ અને ચિંતામાં હતું કે પ્રમોશન મળશે કે નહીં? કારણ બે જણનાં નામ હતાં એક પોતાનું અને બીજું ડાયરેક્ટરના મિત્રના દીકરાનું… એટલે અને છેલ્લાં ત્રણ વર્ષથી નાસીપાસ થવું પડ્યું હતું એટલે મેઘવને ચિંતા હતી પણ મેહાલી શાંત હતી અને પછી તરત જ તે કામે લાગી. પ્રમોશન મળે તેને ઉજવણી માટે ઘર શણગાર્યું. મેઘવનાં ફેવરીટ ફૂલો સજાવ્યાં. સરસ ડીનર તૈયાર કર્યું. ડેઝર્ટમાં પણ મેઘવની પ્રિય ચોકોલાવા કેક બનાવી. તેણે બે કાર્ડ બનાવ્યા એક અભિનંદન આપી. આઈ લવ યુ જણાવતું અને બીજું હિંમત આપી હું તારી સાથે છું કહી આઈ લવ યુ જણાવતું કારણ કે તેને પણ ક્યાંક ઊંડે ડર હતો કે કદાચ જો મેઘવને પ્રમોશન ન મળે તો…
મેઘવ આવ્યો, ઘરની સજાવટ અને મેહાલીની તૈયારી જોઈ બોલી ઊઠ્યો, ‘અરે, મારા આવવા પહેલાં તને કઈ રીતે ખબર પડી મને પ્રમોશન મળી ગયું છે? મેં તો ફોન નહોતો કર્યો તને કોનો ફોન આવ્યો?’ આટલું બોલતાં મેઘવ મેહાલીને ભેટી પડ્યો… મેહાલી બોલી, ‘મને તારી મહેનત પર વિશ્વાસ હતો અને અભિનંદનવાળું કાર્ડ અને ફૂલો આપ્યાં… અને બોલી, ‘ચલ, તું ફ્રેશ થઇ જા એટલે જમી લઈએ.’
મેહાલી રસોડામાં ગઈ અને મેઘવ ફ્રેશ થવા બેડરૂમમાં મેહાલી માટે લાવેલી સરપ્રાઈઝ ગિફ્ટ છુપાડવા મેઘવે કબાટ ખોલ્યું અને તેને મેહાલીએ બનાવેલું બીજું પ્રમોશન ન મળે તો હિંમત આપતું કાર્ડ મળ્યું. મેઘવ ફ્રેશ થઇ તે કાર્ડ ધીમેથી હાથમાં લઇ મેહાલી પાસે આવ્યો અને બોલ્યો મને પ્રમોશન ન મળ્યું હોત તો… તારી સવારથી કરેલી બધી તૈયારી નકામી જાત ને…? મેહાલી કેન્ડલ પેટાવતાં બોલી, ‘ના, આ તો મારો પ્રેમ છે. તને પ્રમોશન મળે તો જ છલકે એવું નથી….’ મેહાલીનો ચહેરો કેન્ડલના પ્રકાશમાં સાચા પ્રેમની આભાથી ચમકતો હતો. મેઘવ મસ્તીમાં બોલ્યો, ‘હા, કાર્ડ બદલાઈ જાત…’ બંને હસી પડ્યાં. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.