ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તે ઠેરઠેર વેચાય અને પીવાય છે. તે વાતથી પોલીસ અને સરકાર પણ અજાણ નથી. હદ તો ત્યારે થાય છે જ્યારે દારૂડિયા જાહેર માર્ગ પર દારૂ પીતા હોય છે અને જો દારૂડિયાઓને દારૂ ન પીવા ટકોર કરવામાં આવે તો તેઓ મારપીટ પર ઉતરી આવે છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે.
અહીંના ઉત્રાણ વિસ્તારના એક સીસીટીવી ફૂજેટ વાઇરલ થયા છે. જેમાં માથાભારે શખસને ઈંડાની લારીવાળાએ દારૂ પીવાની ના કહેતા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સગીરો પણ માર મારતા નજરે પડ્યા હતા. આ મામલે ઉત્રાણ પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉતરાયણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ગત 7 એપ્રિલના રોજ ઉત્રાણ વિસ્તારમાં આવેલી ઈંડાની લારીના માલિક અને તેમના કારીગરને ઢોર માર મારવાનો બનાવના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. સુખદેવ હરી કોળી નામના એક માથાભારે વ્યક્તિએ લારીચાલકને રાત્રે દારૂ પીવા માટે જગ્યા આપવા દબાણ કર્યું હતું. જોકે, લારીચાલકે આ માંગને નકારી કાઢતા સુખદેવએ લારીચાલક અને તેમના કારીગરને ઢોર માર માર્યો હતો.
આ દરમિયાન માથાભારે શખસ સાથે રહેલા સગીર દ્વારા પણ માર માર્યો હતો. આ ઘટનાને પગલે લારીચાલકે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે ,સુખદેવ હરી કોળી સામે અગાઉથી પણ અનેક ગુનાહિત ફરિયાદો નોંધાયેલ છે અને તે એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે. પોલીસ સમગ્ર મામલે અટાયતી પગલાં લઈને કડક કાર્યવાહી હાથ ધરી હતી.
