ભરૂચ: (Bharuch) દસ દિવસ પહેલાં નબીપુરથી ઝનોર તરફ જવાના માર્ગ ઉપર સામલોદ ગામ પાસે અમદાવાદના સોનીને રિવોલ્વરની અણીએ દિલધડક સવા કરોડ લૂંટ (Loot) ચલાવી લુંટારુ ફરાર થઇ ગયા હતા. ભરૂચ પોલીસે લૂંટનો ગેમપ્લાન બનાવનાર અમદાવાદ સાબરમતી જેલમાંથી (Jail) પેરોલ પર છૂટેલા હત્યા અને લૂંટના મુખ્ય સૂત્રધારને મુંબઈ પાસે પુના રોડ પર ફાઉન્ટેન હોટલના (Hotel) કમ્પાઉન્ડમાંથી દબોચી લીધો હતો. પોલીસે ચેન્નાઈમાં બીજી લૂંટ ચલાવવાનો ઘડાયેલો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
- અમદાવાદની જેલમાંથી પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ સામલોદમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો
- સામલોદ-ઝનોર લૂંટ પ્રકરણના માસ્ટર માઈન્ડ નીરવ શાહે ચેન્નાઈમાં પણ લૂંટનો પ્લાન ઘડ્યો હતો
- બીજી લૂંટ ચલાવે એ પહેલાં જ મુંબઈની ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાંથી ભરૂચ પોલીસે દબોચી લીધો
ગત તા.૨૩ જૂને ધોળેદહાડે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર નબીપુરથી ઝનોર તરફ જવાના માર્ગે અમદાવાદના સોનીની કારને લુંટારુએ આંતરીને સોનું સહિત સવા કરોડની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં ભરૂચ પોલીસે ગણતરીના સમયમાં કરજણના શિનોર ચોકડીએ અને અમદાવાદથી ઝડપી પાડ્યા હતા. આખો લૂંટનો પ્લાન કોને કેવી રીતે અને કયા સમયે કરવા માટે રેકી કરી હતી. ભરૂચ પોલીસે ઝડપેલા આરોપીઓના મોબાઈલમાં વોટ્સએપ ચેટિંગ મારફત તપાસ આદરતાં આખો ભેદ બહાર આવ્યો હતો. લૂંટ-ગેમપ્લાન કરનાર માસ્ટર માઈન્ડ અમદાવાદ સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવતો અને પેરોલ જામીન મેળવી ફરાર થયેલો આરોપી નીરવ ઉર્ફે રવિ મહેશ શાહ હતો.
જો કે, સામલોદ ઝનોર પાસે આ લૂંટ ઘડનાર નીરવ ઉર્ફે રવિ શાહે આર્થિક સંકળામણના કારણે સોનીના વેપારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં પાંચ લાખ રૂપિયા મનોજને આપવાનું જણાવી નાસિકથી ચાર માણસોને રૂ.૩ લાખ આપવાની શરતે તૈયાર કર્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપી તો દીધો, પણ ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાતાં તેઓ સફળ ન થયા. જેને લઈને મુખ્ય સૂત્રધાર નીરવ શાહ સામલોદ લૂંટમાં નિષ્ફળતા મળતાં હવે ચેન્નાઈ ખાતે આવી જ લૂંટ માટે માણસો તૈયાર કરવાની સ્ફોટક કબૂલાત ભરૂચ પોલીસ સમક્ષ કરી હતી.
નીરવ ઉર્ફે રવિ શાહે ૨૦૧૫માં ૪૦ લાખની ખંડણી માટે અપહરણ કરી બાળકની હત્યા કરી હતી
નીરવ અપહરણ કરી 40 લાખની ખંડણી માંગી હત્યા કરી હોવાના ગુનામાં જેલમાં હતો. વર્ષ-૨૦૧૫માં માસૂમ બાળક દેવાંગ ઠાકરનું અપહરણ કરી રૂ.૪૦ લાખની ખંડણી માંગીને તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. પાટણના સિદ્ધપુર પોલીસમથકમાં ખંડણી અને હત્યાના ગુનો નોંધાયેલો છે. જેમાં આજીવન કેદની સજા થતાં જેલમાંથી પેરોલ ઉપર છૂટીને આખરે સામલોદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
લુંટારુએ દહેજની એક હોટલમાં આશ્રય મેળવ્યો હતો
લૂંટની ઘટનાને અંજામ આપવા માટે લુંટારુ ટોળકીએ દહેજ નજીકની એક હોટલમાં રાતવાસો કર્યો હતો, જેમાં ગેમપ્લાન ફોરવ્હીલ ગાડીમાં ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. તેઓ દહેજ નજીક લૂંટ કરવાના હતા, પરંતુ જગ્યા અનુકૂળ ન આવતાં આખરે સામલોદના સોની વેપારીને લૂંટવાનું નક્કી કર્યુ હતું. અમદાવાદનો સોની દર મહિને ભરૂચમાં જ્વેલર્સના વેપારીને કીમતી સોના-દાગીના આપવા જાય છે. જેને લઈને જગન્નાથ રથયાત્રા પહેલાં રેકી કરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જો કે, રથયાત્રા ત્રીજા દિવસે તા.૨૨ જૂને અમદાવાદનો મુકેશ સોની ભરૂચ આવતાં લુંટારુએ લૂંટનો અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.