વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનઉ પ્રવાસ બાદ શહેરને શરમમાં મૂકે તેવા દૃશ્યો સામે આવ્યા છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ત્યાં અને આસપાસના વિસ્તારોમાં શણગાર માટે મુકાયેલા કૂંડાઓ લોકો દ્વારા ઉઠાવી લઈ જવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. આ ઘટનાએ શહેરની છબી પર સવાલો ઊભા કર્યા છે.
ગઈ કાલે ગુરુવારે વડાપ્રધાન મોદી લખનઉમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને સમર્પિત રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના લોકાર્પણ માટે આવ્યા હતા. આ પ્રસંગે લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA) અને નગર નિગમ દ્વારા સમગ્ર વિસ્તારનું ભવ્ય સૌંદર્યકરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ તરફ જતાં માર્ગ, ગ્રીન કોરિડોર અને વસંત કુંજ રોડ પર શહેરને આકર્ષક બનાવવા માટે મોટા પ્રમાણમાં ફૂલોના કૂંડા અને હેંગિંગ વોલ લગાવવામાં આવ્યા હતા.
પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ. પીએમ મોદીના રવાના થતા જ કેટલાક લોકો દ્વારા શણગાર માટે મુકાયેલા કૂંડાઓ ઉઠાવી લઈ જવામાં આવ્યા. કોઈ હાથમાં લઈ જતા, તો કોઈ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર પર કૂંડા લાદીને લઈ જતા દૃશ્યો જોવા મળ્યા હતા. ગણતરીના કલાકોમાં જ ગ્રીન કોરિડોર અને આસપાસનો વિસ્તાર ખાલી દેખાવા લાગ્યો.
આ સમગ્ર ઘટનાના વીડિયો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વીડિયોમાં લોકો જાહેર સંપત્તિને નિર્ભયતાથી લઈ જતા દેખાય છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે કહ્યું કે નગર નિગમ અને વહીવટીતંત્ર શહેરના સૌંદર્ય માટે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે પરંતુ સમાજનો એક વર્ગ આવી હરકતો દ્વારા આ પ્રયાસોને નિષ્ફળ બનાવે છે.
હાલ આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.