Dakshin Gujarat

દમણમાં અપક્ષ ઉમેશ પટેલની જીત, નવસારીમાં પાટીલ 4 લાખની લીડથી આગળ, વલસાડમાં…

સુરત,ભરૂચ,વલસાડ, નવસારી: આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે ચાલો જાણીએ દક્ષિણ ગુજરાતની બેઠકો પર કયા પક્ષના ઉમેદવાર આગળ છે અને કયા પક્ષના ઉમેદવાર પાછળ ચાલી રહ્યાં છે.

દક્ષિણ ગુજરાતની દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે. તેઓ 4 હજાર મતોથી વિજયી થયા છે. જ્યારે વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલને બપોરે 12 વાગ્યા સુધીમાં 698487 વોટ મળ્યા છે. આ સાથે ધવલ પટેલે 56.62 ટકા વોટ શેર મેળવ્યો છે. ધવલ પટેલની લીડ 202183 થઈ છે. આ બેઠક પર નોટાને 16352 વોટ પડ્યા છે, જે ચાર ઉમેદવારો કરતા વધુ છે. કોંગ્રેસના અનંત કુમારને 496304 વોટ મળ્યા છે, પરંતુ તેમનો પનો ટુંકો પડ્યો છે.

બપોરે 12 વાગ્યે નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે 4,28,765ની લીડ મેળવી લીધી છે. તેઓને 5,41,087 વોટ મળ્યા છે, જ્યારે હરીફ ઉમેદવાર નૈષધ દેસાઈને 1,12,322 વોટ જ મળ્યા છે. બપોરે 12 વાગ્યે ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને 442109 વોટ મળ્યા છે, જયારે ચૈતર વસાવાને 367172 વોટ મળ્યા છે. મનસુખ વસાવા 74,937 વોટથી આગળ છે. બારડોલી બેઠક પર બપોરે 12 વાગ્યે ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાને 5,14,992 વોટ મળ્યા છે, તેઓ હરીફ ઉમેદવાર કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીથી 1,76,750 વોટ આગળ છે. સિદ્ધાર્થ ચૌધરીને 3,38,242 વોટ મળ્યા છે.

નવસારી બેઠક પર 56.66 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉમેદવાર છે. સામા પક્ષે કોંગ્રેસના નૈષદ દેસાઈ ઉમેદવાર છે. સવારે 11.00 કલાકે નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ 2,39,449 મતોથી આગળ રહ્યાં છે. નવસારી કાઉન્ટિંગ સેન્ટર પર નરેન્દ્ર મોદી અને સી.આર. પાટીલના ફોટો વાળા કપડા પહેરી પત્ની કપિલા અને પતિ પલકેશ પટેલ કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા હતા.

સવારે 11.30 કલાક સુધીમાં ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાને 2,50,905 વોટ મળ્યા હતા. બહુ ગાજેલા ચૈતર વસાવાને 1,93,347 વોટ મળ્યા હતા. આમ 70 હજાર કરતા વધુ મતથી મનસુખ વસાવા આગળ ચાલી રહ્યાં છે. વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ સવારથી જ આગળ ચાલી રહ્યાં હતાં. તેઓને સવારે 11 વાગ્યા સુધીમાં 1,42,269 મતોની લીડ મળી છે. કોંગ્રેસના અનંત પટેલને 2,42,928 વોટ મળ્યા છે.

અહીં કાંટાની ટક્કર હોવાની ચર્ચા હતી પરંતુ ટ્રેન્ડમાં એવું દેખાઈ રહ્યું નથી. સવારે 11.30 કલાકે બારડોલી લોકસભા બેઠક પર 9 રાઉન્ડનું કાઉન્ટિંગ પુરું થઈ ગયું હતું. અહીં ભાજપના પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યાં છે. પ્રભુ વસાવાને 3,11,185 વોટ મળ્યા છે, તેની સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને 2,20,548 વોટ મળ્યા છે. આમ 90 કરતા વધુ વોટથી પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યાં છે.

બારડોલીની બેઠક પર 6 રાઉન્ડ બાદ ભાજપના પ્રભુભાઈ વસાવા 12 હજાર મતોથી આગળ ચાલી રહ્યાં છે. નવસારીમાં સી.આર પાટીલ 65,070 વોટથી આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસના નૈષધ દેસાઈ પહેલાં રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યાં છે. વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલે 1 લાખ 42 હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી છે. દમણ -દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 5517 મતથી આગળ ચાલી રહ્યાં છે.

ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા 30 હજાર મતથી આગળ
ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સરકારી કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી થઇ રહી છે. જે ગણતરી 23 રાઉન્ડમાં થશે. ત્રણ રાઉન્ડના અંતે ભાજપના મનસુખ વસાવા 30 હજાર મતોથી આગળ છે.

ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જિલ્લામાં 69.16 ટકા મતદાન નોંધાયું હતું. આજે સરકારી કે.જે. પોલીટેક્નિક કોલેજ ખાતે મત ગણતરી યોજાઇ છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવામાંથી કોણ બાજી મારશે એ ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થઇ જશે.

Most Popular

To Top