Gujarat

રાજ્યમાં આગામી ચૂંટણીમાં 150 બેઠકો જીતવા ભાજપની 27 આદિવાસી બેઠક પર નજર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 27 આદિવાસી બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે બાજપની નેતાગીરીએ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે પ્રદેશ ભાજપના કમલમ કાર્યાલય ખાતે આજે આદિવાસી મોરચાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં 27 જેટલી આદિવાસી બેઠકો પર વિજય મેળવવા રણનીતિની ચર્ચા થઈ હતી.

કમલમ ખાતે ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાની પ્રથમ કારોબારી બેઠક પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન અને આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગજી, સાંસદો, ધારાસભ્યોઓ અને મોરચાના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

એસ.ટી મોરચાની બેઠક ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એસ.ટી મોરચા દ્વારા ઘણુ સારુ કામ થઇ રહ્યું છે. ગુજરાતના રાજકારણની જો ચર્ચા થાય તો એસ.ટી વોંટ બેંકને કયારેય ન્યાય નથી મળ્યો માત્ર વોંટ બેંક માટે ઉપયોગ કરવામાં આવ્યો.કોગ્રેસ દ્વારા અમરસિંહ ચૌધરી ને મુખ્યમંત્રી બનાવી ગુજરાતમાં એસ.ટી સમાજમાં રાજકારણ કરવામાં આવ્યું . પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કયારેય આદિવાસી સમાજને વોંટ બેંકની દ્રષ્ટીએ નથી જોતું. કેન્દ્ર સરકારમાં આજે 8 મંત્રીઓ એસ.ટી ના છે. પહેલી વાર 10 ટકાથી વધારે કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ગુજરાત સરકારના મંત્રીમંડળમાં 4 આદિવાસી સમાજના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે.

કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં 27 બેઠકો એસ.ટી સમાજની છે તેમાંથી 13 ભારતીય જનતા પાર્ટી પાસે છે.સૌથી વધારે એસ.ટી સમાજની બેઠકો 50 ટકાથી વધુ સીટો ભાજપ પાસે છે. પહેલા લોકો એમ માનતા હતા કે એસ.ટી સમાજના મતદારો કોંગ્રેસ સાથે છે. પરંતુ આજે એવુ રહ્યુ નથી કારણ કે પીએમ નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ દ્વારા સમાજને લાભો આપ્યા છે.કોંગ્રેસ અત્યાર સુધી એસ.ટી સમાજના લોકોને ફકત મતદાતા તરીકે દુરઉપયોગ કરતું આવ્યું છે. પીએમ મોદીએ તમામ સમાજના લોકોનું ધ્યાન રાખ્યુ છે તેમનો વિકાસ થાય,તેમને અધિકાર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કર્યા જેમા આદિવાસી સમાજના યુવાનો ને પણ જે તક મળી છે તેના કારણે આદિવાસી સમાજ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે.

એસ.ટી મોરચાની કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી પરિવાર ભાવનાથી જ કામ કરે છે અને કરતી આવી છે. પક્ષના દરેક કાર્યકરનો સ્વભાવ એક બીજા સાથે પરિવાર જેવો હોય છે અને સાથે મળીને ગુજરાતની જનતાની સેવા કરે છે અને એ જ કારણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સંપાદીત કરી શકી છે અને દેશમાં ડંકો વગાડી શક્યા છીએ. આદિવાસી સમાજમાં વિકાસની યાત્રા આપણા પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે અને હજુ આ યાત્રા ચાલુ છે.

પીએમ મોદી મોદી સાહેબ વિરોધીઓને જવાબ પરિણામ સ્વરૂપે આપે છે એટલે વિરોધીઓને પાછળથી બોલવાનો મોકો મળતો નથી કારણે કે કામ બોલતુ હોય છે. અને આવનાર વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સાથે મળીને કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કારોબારી બેઠકમાં પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાએ કહયું હતું કેઆ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 27 વિધાનસભા બેઠક જીતવાની છે.

Most Popular

To Top