લંડન: (London) હાલમાં જ પુરી થયેલી વિમ્બલડન (Wimbledon) ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ પુરી થયા પછી હવે તેમાં મેચ ફીક્સીંગની (Match fixing) આશંકા સામે આવી છે અને અહેવાલોમાં કહેવાયું છે કે ઓછામાં ઓછી બે મેચ શંકાના ઘેરામાં છે. જે બે મેચો શંકાના ઘેરામાં છે તે બંનેમાં સટ્ટાબાજીની પેટર્ને આયોજકો સહિત તપાસકર્તાઓને પણ સતર્ક કરી દીધા છે અને તે પછી આ બંને મેચની તપાસ શરૂ કરી દેવમાં આવી છે.
જર્મન અખબાર ડાઇ વેલ્ટના એક રિપોર્ટમાં કહેવાયું છે કે વિમ્બલડનની બે મેચમાં ફીક્સીંગ થયું હોવાની શંકા ઊભી થઇ હતી. અહેવાલો અનુસાર આ બંને મેચ શરૂઆતના તબક્કાની હતી. જેમાં પુરૂષોની એક ડબલ્સ મેચ તેમજ અન્ય એક સિંગલ્સ રાઉન્ડની મેચ હતી. જે પહેલી મેચમાં ફીક્સીંગની આશંકા છે તે પહેલા રાઉન્ડની પુરૂષ ડબલ્સ મેચ હતી, જેમાં જે જોડી જીતની દાવેદાર હતી તેના હારવા પર સટ્ટો રમાયો હતો. આ જોડી પહેલો સેટ જીતી જતાં તેની હારની સંભાવના ઘટી હતી. જો કે તે પછી આ જોડી બાકી બચેલા સેટ હારી ગઇ હતી અને તેના કારણે સટ્ટાના ટાઇમીંગ તેમજ તેના પર લગાવાયેલી રકમ બાબતે શંકા ઊભી થઇ હતી.
પહેલા રાઉન્ડની જે સિંગલ્સ મેચ પર શંકા કરવામાં આવે છે, તેમાં જર્મનીનો એક ખેલાડી રમી રહ્યો હતો. તેના હરીફ સામે લગાવાયેલી સટ્ટાની રકમે શંકા ઊભી કરી છે. અહેવાલમાં કહેવાયું હતું કે બીજા સેટના અંતે જે સ્કોર પર પાંચ આંકડાની રકમનો સટ્ટો લાગ્યો હતો, તે જ સ્કોર રહ્યો હતો.