SURAT

લંડનનાં ઠગે મલેશિયામાં નવી ક્રીપ્ટો કરન્સી લોન્ચ કરવાનાં બહાને સુરતના વેપારીને કરોડોમાં નવડાવ્યો

સુરત : નવું ક્રિપ્ટો(Crypto) એક્સચેન્જ(Exchange) શરૂ થવાનું છે કહીને વરાછા(Varachha)ના વેપારી પાસેથી રૂા. 2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત નવા કોઇનની સાઇટ બંધ કરી ફરાર થઇ જનાર દિલ્હી(Delhi)ના આરોપી સહિત ચારની સામે ગુનો દાખલ થયો છે. નવો કોઇન લોન્ચ કરવા માટે મલેશિયા(Malaysia)માં ઇવેન્ટ રાખવામાં આવી હતી જેના કારણે રોકાણકારો આકર્ષાયા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • નવા ક્રિપ્ટો એક્સચેન્જના નામે સગરામપુરાના વેપારી પાસેથી 2.32 કરોડનું રોકાણ કરી ઠગાઇ
  • મલેશિયામાં ઇવેન્ટ યોજીને રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા

સગરામપુરા કાળા મહેતાની શેરી રિદ્ધિ સિદ્ધિ રેસિડેન્સીમાં રહેતા સુશીલ દિપકભાઇ ડોક્ટર કન્સ્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા છે. 2017માં તેમના મિત્ર દિવ્યેશ ધ્રુવે નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષકોઇન વિશે માહિતી આપી હતી. આ કોઇનમાં દોઢ વર્ષમાં જ બે ગણા રૂપિયા થઇ જવાની વિવિધ સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, ડાયમંડ, સુપર ડાયમંડ જેવી સ્કીમો આપવામાં આવી હતી. નવા ક્રિપ્ટો એક્સચેન્જ બક્ષ કોઇનનું કામકાજ સંભાળતા અને ગુજરાતના મેનેજર પ્રશાંત બ્રહ્મભટ્ટ સાથે સુશીલભાઇની મુલાકાત કરાવાઇ હતી. તેણે નવો બક્ષ કોઇન લંડનમાં વેપાર કરતા અને બિટ્સો લાઇવ્સ કંપનીના માલિક મોહસીન જમીલએ લોન્ચ કર્યો છે અને તેને સાગર ગણેશ શિવકુમાર ડિરેક્ટ કરી રહ્યો હોવાની માહિતી સુશીલભાઇને આપી હતી. ત્યારબાદ બક્ષકોઇનના પ્રમોશન માટે મલેશિયામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ રીતે ટોળકીએ રોકાણકારોને લલચાવ્યા
પ્રશાંત બ્રહ્મભટ્ટ સહિત ચીટર ટોળકીની વાતોમાં આવી જઇને શરૂઆતમાં જ સુશીલભાઇએ અલગ અલગ 38 સ્કીમોમાં રૂા.1.68 કરોડનું રોકાણ કરી નાંખ્યું હતું. બાદમાં પ્રશાંત બ્રહ્મભટ્ટ, લાંબા સમય સુધી નવું એક્સચેન્જ શરૂ નવી દિલ્હીના બિદાપુરમાં રહેતો ગણેશ શીવકુમાર સાગર, મોહસીન જમીલ, ચંદ્રશેખર બાલીએ ઓનલાઇન મીટિંગ તેમજ ઝૂમ મીટિંગ કરીને રોકાણકારોને લલચાવ્યા હતા.

રાતોરાત સાઇટ બંધ રૂા.2.32 કરોડ લઇ ફરાર
બે-ત્રણ વર્ષ છતાં પણ નવું એક્સચેન્જ લોન્ચ થયું ન હતું. ત્યારબાદ આ ચીટર ટોળકીએ જે રોકાણ કરાયું હતું તેને બીટકોઇન તેમજ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્ઝેકશન કરાવીને વધુ રોકાણ કરાવ્યું હતું. ટોળકીએ સુશીલભાઇની પાસેથી જ રૂા.2.32 કરોડનું રોકાણ કરાવી રાતોરાત સાઇટ બંધ કરી દીધી હતી અને ફોન ઊંચકવાનું પણ બંધ કરી દીધું હતું. આ બાબતે સુશીલ કુમારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top