નવી દિલ્હી: લંડનથી (London) દિલ્હી (Delhi) પરત ફરી રહેલી એર ઈંડિયાની (Air India) ફ્લાઈટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખરાબ વાતાવરણના કારણે પાયલોટે જયપુરમાં (Jaipur) ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. અને પછી કંઈક એવું કહ્યું હતું કે મુસાફરોના ધબકારા વધી ગયા હતા અને તેમણે 3 કલાક સુધી હેરાન થવું પડ્યું હતું.
- દિલ્હીમાં વરસાદ તેમજ હવામાન ખરાબ હોવાથી ફલાઈટ જયપુર ઈમરજન્સી લેન્ડ કરાઈ
- લગભગ 350 જેટલા મુસાફરોને અટવાવાનો વારો આવ્યો
- મુસાફરોને થયેલી તકલીફને ઓછી કરવા અમારાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યાં છે: એર ઈન્ડિયા
એર ઈન્ડિયાની એક ફલાઈટ લંડનથી દિલ્હી પરત ફરી રહી હતી. રવિવાર સવારે 4 વાગ્યે તે દિલ્હી પહોંચવાની હતી. પરંતુ દિલ્હીમાં વરસાદી વાતાવરણના કારણે તેમજ હવામાન ખરાબ હોવાના કારણે તેને જયપુર ઈમરજન્સી લેન્ડ કરાવવામાં આવી હતી. દિલ્હી જતી ફ્લાઇટને તેની મુસાફરી ફરીથી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ પાઇલટે ‘અમારી ફરજના કલાકો પૂરા થઈ ગયા છે’ એમ કહીને ફલાઈટને ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. જેનાં કારણે લગભગ 350 જેટલા મુસાફરોને અટવવાનો વારો આવ્યો હતો. અંતે પાઈલટ ન માનતા મુસાફરોએ વૈકલ્પિક માર્ગ અપનાવવો પડ્યો હતો.
મુસાફરોને થયેલી સમસ્યા અંગે તેઓએ ફરિયાદ પણ નોંધાવી હતી. એર ઈંડિયાએ જવાબ આપતા કહ્યું હતું કે તેમની ટીમ મુસાફરોને થયેલી તકલીફને ઓછી કરવા માટે તેઓથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે. એર ઈંડિયાના આ જવાબ પર એક મુસાફરે પ્રતિક્રિયા આપી હતી કે કૃપા કરીને અમને જૂઠા વચનો આપવાનું બંધ કરો. આ ઉપરાંત મુસાફરે જણાવ્યું હતું કે જયપુર એરપોર્ટ સ્ટાફ અમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં સહકાર આપી રહ્યો નથી. તેઓએ તમામ મુસાફરોને કોચ દ્વારા દિલ્હી સુધી મુસાફરી કરવા માટે જે ઉકેલ પૂરો પાડ્યો છે તે તદ્દન નિંદનીય છે.