Gujarat

26 બેઠકો પર 5 લાખથી વધુ સરસાઈ મેળવવા ભાજપનાં નેતાઓએ કમલમમાં બેઠકોનો દોર શરૂ કર્યો

ગાંધીનગર: લોકસભાની (Loksabha) તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુ સરસાઈ મેળવવા હવે પ્રદેશ ભાજપનાં (BJP) નેતાઓએ ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લા માટે બેઠકોનો દોર યોજાયો હતો. હવે આગામી દિવસોમાં આ રીતે જિલ્લાવાર બેઠકોનો દોર યોજાનાર છે.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ તથા સંગઠનના મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમા ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં બૂથ મેનેજમેન્ટ પર ચર્ચા હાથ ધરાઈ હતી. બેઠકની અંદર ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લાના ભાજપના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યાં હતા. લોકસભાની ચૂંટણીમાં ગમે તે ભોગે તમામ 26 બેઠકો પર વિજય મેળવવા માટે ભાજપની નેતાગીરીએ અત્યારથી કમર કસી છે. 5 લાખથી વધુ સરસાઈ મેળવવા માટે ભાજપની નેતાગીરી કોઈ કસર છોડવા માંગતુ નથી. અરવલ્લી જિલ્લામાં બાયડ બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય તથા પાછળથી ભાજપને સમર્થન આપનાર ધવલસિંહ ઝાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઝાલા હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં પ્રચાર કરે તો નવાઈ પામવા જેવુ નથી. ગાંધીનગર જિલ્લાની બેઠકમા અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યાં હતા. બાયડ બેઠક પર ભાજપે ભીખીબેન પરમારને ટિકીટ આપી હતી, જયારે ધવલસિંહ ઝાલાને ટિકીટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પગલે ધવલસિંહ અપક્ષ ચૂંટણી લડયા હતા.

Most Popular

To Top