National

અમને ડેપ્યુટી સ્પીકર પદ આપવાની તૈયારી હોત તો વિપક્ષ સ્પીકર પદના ઉમેદવારને સમર્થન આપતે- રાહુલ ગાંધી

એનડીએ તરફથી મંગળવારે ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે જ્યારે કોંગ્રેસે પણ આ પદ માટે તેના દાવેદાર કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા છે. આઝાદી બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. સરકાર વતી વરિષ્ઠ કેબિનેટ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષી નેતાઓનો સંપર્ક કર્યો હતો અને લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે સર્વસંમતિ બનાવવા માટે તેમનો ટેકો માંગ્યો હતો. જે બાબતે આજે એટલે કે મંગળવારે મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું “અમે રાજનાથ સિંહને કહ્યું હતું કે અમે તેમના અધ્યક્ષ પદના ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ પરંપરા એવી છે કે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવામાં આવે.”

નોમિનેશન પહેલા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષને સ્પીકરના સમર્થન માટે રાજનાથ સિંહનો ફોન આવ્યો હતો. વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરનું સમર્થન કરીશું, પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. રાજનાથ સિંહે ફરી ફોન કરવાની વાત કરી હતી.

રાજનાથ સિંહે સંસદની બહાર મીડિયાને કહ્યું કે, મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સ્પીકર પદ માટે સમર્થન આપવા માટે ત્રણ વખત ફોન પર વાત કરી છે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ રાજનાથને મળ્યા હતા, પરંતુ ડેપ્યુટી સ્પીકર પર કોઈ જવાબ ન મળતા તેઓ તેમના કાર્યાલયથી પાછા ફર્યા હતા.

સિંહ સિવાય અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ વિપક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને લલન સિંહે કોંગ્રેસ પર શરતો મૂકવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરકાર ઉપસભાપતિની ચૂંટણી સમયે વિપક્ષની માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છે.

જણાવી દઈએ કે મંગળવાર (25 જૂન) 18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ છે. લોકસભા સ્પીકરને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. એનડીએના ઉમેદવાર ઓમ બિરલા સામે ઈન્ડિયા બ્લોકે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સ્પીકર પદ માટે 26 જૂને સવારે 11 વાગ્યે મતદાન થશે.

Most Popular

To Top