સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા ‘બ્રેક ધ ચેઈન’બે દિવસ સ્વયંભૂ બંધના એલાનને પગલે સમગ્ર ટેકસટાઈલ માર્કેટ વિસ્તાર અને હીરા બજારના વિસ્તારોએ સંપૂર્ણ સજ્જડ રીતે બંધ પાળ્યો હતો. એવીજ રીતે સુરત મહાનગર પાલિકાની હદમાં આવેલા વિવિંગ ઉદ્યોગે સંપૂર્ણ પણે બે દિવસના બંધને સમર્થન આપી 4.50 લાખ પાવરલૂમ બંધ રાખ્યા હતા.
આજે રિંગરોડ અને સારોલીની 200 જેટલી કાપડ માર્કેટોએ જડબેસલાક બંધ પાળ્યો હતો. તેને લીધે કાયમ ટ્રાફિકથી ઉભરાતા રિંગરો઼ડ અને સારોલી-પૂણા વિસ્તાર સુમશાન થઇ ગયો હતો. એવીજ રીતે વરાછા મીની હીરા બજાર,ચોકસી બજાર,મહિધરપુરા હીરાબજાર અને કતારગામ નંદૂડોશીની વાડીમાં આવેલું હીરાબજાર પણ બંધ રહ્યુ હતું. એવીજ રીતે હીરા બજારોમાં આવેલા સેફ ડિપોઝીટ વોલ્ટ પણ બંધ રહ્યા હતા. હીરા બજારોમાં કેટલીક ઓફિસો ચાલુ રહી હતી. જેમાં બહારગામના ઓર્ડર પુરતુ કામકાજ થયુ હતુ. જ્યારે કાપડ માર્કેટ બંધ રહેતા માર્કેટોમાં કાપડના પાર્સલોના ઢગલા થયા હતા.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે જ્યારથી આ એલાનની જાહેરાત થઇ ત્યારથી ૧પ૦થી વધુ એસોશિએશનનોએ પોતાનો ટેકો આ સ્વયંભૂ બંધને જાહેર કર્યો છે કે જે બતાવે છે કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી શહેરીજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે કેટલી જાગૃત છે. ‘
જાન હૈ તો જહાન હૈ’એ ઉક્તિને આજે સુરતના વેપાર – ઉદ્યોગે સાચી ઠેરવી હતી. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, ધી સુરત મર્કન્ટાઈલ એસોશિએશનનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, સાઉથ ગુજરાત ટેકસટાઈલ ટ્રેડર્સ એસોશિએશનનના પ્રમુખ સાવરમલ બુધિયાના નેતૃત્વ હેઠળ તમામ ટેકસટાઈલ માર્કેટો સજ્જડ રીતે બંધ રહી હતી. સુરત ડાયમંડ એસોશિએશનનના પ્રમુખ નાનુ વેકરીયા, સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરિયાના નેતૃત્વ હેઠળ મીની બજાર, વરાછા રોડ અને મહિધરપુરા હીરાબજાર સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા.
ચેમ્બરના પ્રમુખ ઇલેકટ આશિષ ગુજરાતી અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડના વિમલ બેકાવાલાના નેતૃત્વ હેઠળ પાંડેસરા – બમરોલી વિવિંગ ઇન્ડસ્ટ્રીએ પણ સજ્જડ બંધ પાળ્યો હતો. સચિનના વિવર અગ્રણી મયુર ગોળવાલા તથા નિલેશ ગામીએ પણ ચેમ્બરની પહેલને માન આપીને સચિનના વિવિંગ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રખાવ્યા હતા. સચિનના રેપીયર તથા શટલ લૂમ્સના ખાતાઓ પણ સ્વયંભૂ બંધ રહયા હતા. આ ઉપરાંત સ્ટેશન રોડ પર આવેલી તમામ રિટેલ દુકાનો CAIT ની આગેવાની હેઠળ બંધ રહ્યાં હતાં
ચેમ્બરની સુરતના નાગરિકોને અપીલ, આજે રજાના દિવસે સુરતીઓ ઘરે રહે
આવતીકાલે રવિવારે પણ આ ચેઈનને વધુ મજબૂત બનાવવા માટે ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે કે સુરતના નાગરિકો પણ રવિવારે બહાર ફરવાનો મોહ જતો કરી કોરોનાની ચેનને તોડવામાં સહયોગ આપે અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા પ્રયાસ કરે.
જ્યાં ભારે ટ્રાફિકજામ રહે છે તે રિંગ રોડ ભેંકાર રહ્યો
કોરોના સંક્રમણને અટકાવવા માટે કાપડ બજાર શનિ અને રવિના રોજ બંધ રાખવાના ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસો.ના નિર્ણયને વેપારીઓ તરફથી સજ્જડ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં આજે એકેય માર્કેટ ખુલી નહોતી અને રસ્તાઓ સૂમસામ હતાં.રિંગ રોડ કાપડ માર્કેટ વિસ્તાર આજે રવિવાર જેવો સુમસામ થઈ ગયો હતો. રીંગરોડ ફલાયઓવર બ્રીજ નીચે પાર્કિંગ સ્થળો વાહનો વિના ખાલીખમ હતાં. ખાણીપીણી કે ચાની લારીઓ પણ ખુલી નહોતી. દુકાનો ખુલી નહોતી અને માલની હેરાફેરી પણ બંધ હોવાને કારણે કારીગર મજૂરો ફરક્યા નહોતાં.કોરોના ચેઇન બ્રેક કરવા માટે માર્કેટ બંધ કરવી ખૂબ જ આવશ્યક હોવાથી, જુદા જુદા માર્કેટ એસો.નો અભિપ્રાય મેળવીને સમગ્ર કાપડ માર્કેટ વિસ્તાર બંધ કરવાનો નિર્ણય ગઇકાલે લેવાયો હતો અને આજે તેનો સજ્જડ પ્રતિસાદ પણ વેપારીઓ તરફથી આપવામાં આવ્યો હતો.
પાંડેસરા જીઆઇડીસીમાં વિવિંગ સિવાયના તમામ એકમો ચાલુ રહ્યાં
પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, કેમિકલ યુનિટો અને એન્જિનિયરિંગ એકમો ચાલુ રહ્યા હતા. જ્યારે વિવિંગ એકમો બંધ રહ્યા હતા એવીજ રીતે સચિન જીઆઇડીસીના ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, કેમિકલ યુનિટો અને એન્જિનિયરિંગ એકમો સંપૂર્ણ પણે ચાલુ રહ્યા હતા. એવીજ રીતે સચિન જીઆઇડીસી અને હોજીવાલામાં આવેલા મોટા વિવિંગ એકમો ચાલુ રહ્યા હતા. સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે સચિન જીઆઇડીસીમા હેવી ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોવાથી વિવિંગ પ્રોસેસિંગ,કેમિકલ અને એન્જિનિયરિંગ એકમોમને શટ ડાઉન કરવુ પરવડી શકે તેમ નથી. શટડાઉન કરવાથી કામદારો ભાગી જવાનો ભય તો રહે જ છે સાથે સાથે એકમો રિ-સ્ટાર્ટ કરવાનો વધારાનો ખર્ચ આવે છે.
ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટો ચાલુ રહ્યા : રિટેલર અને હોલસેલર બંધમાં જોડાયા નહીં
ચેમ્બર દ્વારા બે દિવસ વેપાર ઉદ્યોગ બંધ રાખવાની પહેલમાં હીરા બજારના વેપારીઓ દલાલો અને સેફ ડિપોઝિટ વોલ્ટના કર્મચારીઓ જોડાયા હતા. જોકે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધમાં જોડાયા નહતા. રત્નકલાકારો પલાયન ન કરી જાય તે માટે હીરાના કારખાનાઓ ચાલુ રાખવામાં આવ્યા હતા. સુરતમાં કરિયાણાના 300 જેટલા હોલસેલર વેપારીઓ બંધમાં જોડાયા હતા. એવીજ રીતે નાસ્તા અને નમકીનના મેન્યુફેક્ચર્સ પણ બંધમાં જોડાયા હતા. જ્યારે રેડીમેડ ગારમેન્ટ સહિત રિટેલર અને હોલસેલર રમજાન ઇદ અને લગ્નસરાની સીઝનને લીધે બંધમાં જોડાયા ન હતાં.