કોરોનાનો કેર આખા વિશ્વને ધમરોળી રહ્યો છે. ડિસે.-19માં ચીનથી શરૂ થયેલી કોરોનાની મહામારી બાદમાં આખી દુનિયામાં પ્રસરી ગઈ. ભારતમાં ગત વર્ષે માર્ચ માસમાં કોરોનાએ ગતિ પકડી અને આ વર્ષે માર્ચ મહિનો આવી જવા છતાં પણ કોરોનાની મહામારી ઘટી નથી. ગત વર્ષે કોરોનાને કારણે ભારત સરકારે અચાનક લોકડાઉન કરી દીધું હતું. લોકડાઉનને કારણે આખા ભારતની ઈકોનોમી પડી ભાંગી હતી.
જે એક વર્ષ પછી પણ બેઠી થઈ શકી નથી. મોટા ઉદ્યોગો ચાલુ રહ્યાં હતાં પરંતુ તેની સામે નાના વેપારીઓનો મરો થઈ ગયો હતો. રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે માંગીને ખાવું પડે તેવી સ્થિતિ તેમની હતી. માંડ માંડ ગત વર્ષે ઓકટોબર-નવેમ્બર માસ બાદ કોરોનાની સ્થિતિ થાળે પડી અને લોકડાઉન ઉઠાવવામાં આવ્યું.
હજુ લોકોને કળ વળે તે પહેલા ફરી માર્ચ માસમાં કોરોનાના કેસ માઝા મુકવા માંડ્યાં. એટલી ઝડપથી કોરોનાના કેસ ફરી વધવા માંડ્યાં કે સરકાર ઉંઘતી ઝડપાઈ. સરકારે ફરી સ્કૂલ-કોલેજ, ટ્યુશન ક્લાસિસ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર બંધ કરી દેવાની જાહેરાતો કરી અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો કે ફરી હવે લોકડાઉન થશે કે શું?
લોકોનો ડર વ્યાજબી છે. લોકડાઉનથી કોરોના અંકુશમાં આવી શકવાનો નથી. ગત વર્ષે લોકડાઉન કરવામાં આવ્યું તે કદાચ અસરકારક રહી શક્યું હશે કારણે કે તે સમયે કોરોનાની ચોક્કસ દવા કે રસી શોધાઈ નહોતી પરંતુ હવે કોરોના માટેની દવા પણ છે અને રસી પણ છે. આ સંજોગોમાં જો કોરોનાને અંકુશમાં લાવવો હોય તો કોરોનાની સારવાર કરવાની સાથે દરેક વ્યક્તિ કોરોનાની રસી લે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
સરકારે હવે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરીયાત છે કે ધંધા-રોજગાર બંધ કરી દેવાથી કોરોનાના કેસ બંધ થઈ જવાના નથી. લોકો ધંધા-રોજગારના સ્થળે નહીં જાય તો ઉપરથી આવકની મોટી સમસ્યા થશે.
શ્રમિકો માટે જિંદગી જીવવી અઘરી બનશે. વેપારીઓ માટે અનેક સમસ્યાઓ ઉભી થશે. અનેક પરિવારો માટે જીવવું દોહ્યલું થઈ જશે. લોકડાઉન કરવાથી બની શકે કે લોકો ફરતાં બંધ થઈ જશે પરંતુ સાથે સાથે અન્ય અનેક સમસ્યાઓ જન્મ લેશે. સરકારે હવે બધુ બંધ કરાવવાની જગ્યાએ તેને ખુલ્લા રખાવી વેક્સિનેશન પર વધારે ભાર આપવાની જરૂરીયાત છે.
જ્યાં પણ જાહેર સ્થળો છે તે બંધ કરાવવાને બદલે જો વેક્સિનેશન શરૂ કરવામાં આવે તો શક્ય છે કે મોટાભાગની વસ્તીને વેક્સિન આપી દેવાય અને તેને કારણે કોરોના ફેલાતો અટકી જાય. જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર સહિતના સ્થળો એવા છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. તેવા સ્થળો પર દરેકને વેક્સિન આપી દેવી જોઈએ.
આ વખતે કોરોનામાં એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ મોટાપાયે કોરોનાગ્રસ્ત થયાં છે. જેને કારણે સ્કૂલ-કોલેજ બંધ કરવાને બદલે જો ત્યાં પણ વાલીઓને બોલાવીને તેમને વેક્સિન આપવામાં આવે તો કોરોનાને કાબુમાં લઈ શકાય
તેમ છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એવા રાજ્યો છે કે જેમાં કોઈ ચૂંટણી નહોતી પરંતુ તેમાં પણ કોરોનાના કેસ વધ્યાં છે. જેથી કોરોના ફેલાવા માટેના કારણો શોધવાને બદલે કોરોનાને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે તો પ્રત્યેક ભારતીયને કોરોનાથી રક્ષણ બક્ષી શકાય તેમ છે. સરકારે લોકડાઉનને ભૂલી જવાની જરૂરીયાત છે અને વેક્સિનેશનને યાદ રાખવાની જરૂરીયાત છે.