Charchapatra

વિદેશગમન સાથે ભારતીય નાગરિકતા છોડતાં સ્થાનિકો

કોઇ પણ દેશમાં જેની ઊણપ હોય એની પૂર્તિ કરવા માટે વિકસિત દેશોમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવા માટે થતું વિદેશગમન આવકાર્ય છે કારણકે એ રીતે દેશને એમણે પ્રાપ્ત કરેલ જ્ઞાનનો લાભ મળી શકે પરંતુ હમણાં થોડાં વર્ષોથી જોવા મળે છે કે મોટા ભાગના ભારતીયોમાં અમેરિકા, યુ.કે., કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોમાં અભ્યાસ અર્થે કે  નોકરી–ધંધા અર્થે જવાનું પ્રમાણ વઘતું રહ્યું છે અને અભ્યાસ અર્થે આ દેશોમાં જતાં યુવાનો એમનો અભ્યાસ પૂરો થતાં ભારત પાછાં ફરવાને બદલે જે તે દેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે અને સમય જતાં આમાંનાં ઘણાં લોકો દ્વારા ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી જે તે દેશની નાગરિકતા અપનાવવાનું પ્રમાણ પણ વધતું રહ્યું છે.

૨૦૧૪ અને ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન ગુજરાતનાં લગભગ બાવીસ હજારથી વઘુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. નાગરિકતા છોડવાના કિસ્સામાં દિલ્હી અને પંજાબ મોખરે છે જ્યાં આ સંખ્યા અનુક્રમે સાંઠ હજાર ચારસો અને અઠ્ઠાવીસ હજાર જેટલી છે. આમ ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા અપનાવવાનું વલણ જે દિનપ્રતિદિન વધતું જાય છે એ પ્રમાણ જ દર્શાવે છે કે જે લોકો પોતાનો દેશ છોડી અન્ય વિકસિત દેશોમાં સ્થાયી થવાનો નિર્ણય લે છે એ સૌને આપણા દેશમાં રહી એમનું જીવનઘોરણ બહેતર બનાવવાની આશા છોડી દીધી છે.

અમદાવાદના પાસપોર્ટ કન્સલટન્ટ રીતેશ દેસાઇના કહેવા મુજબ ૨૦૧૩–૧૪ પછી પરદેશ જવા ઇચ્છુક લોકોની સંખ્યા ઘણી વધી છે  અને એમનું માનવું છે કે ૨૦૨૮ સુધીમાં ભારતની નાગરિકતા છોડી વિદેશની નાગરિકતા સ્વીકારવાની સંખ્યા ઘણી વધી જવાની શક્યતા છે. આપણા દેશની આ જમીની હકીકત જ બતાવે છે કે વિદેશ જતાં ભારતીયો  આપણા દેશની આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા જોતાં ન હોય અને એ કારણે જ તેઓ જે તે વિકસિત દેશમાં જઇ ત્યાં જ સ્થાયી થવાને અગ્રતા ક્રમ આપી રહ્યા છે.

આપણે જોઇએ છીએ કે આપણા દેશનું જ બુધ્ધિધન આજે એમના પોતાના દેશને છોડીને એમની કાબેલિયત અને જ્ઞાનનો અન્ય દેશોને લાભ આપી રહ્યા છે. આ બધાને દેશપ્રેમ ન હોય એવું નથી પરંતુ એમને આપણા જ દેશમાં રહી એમનામાં રહેલી શક્યતાઓને ઉજાગર કરવાની આશા નથી. દેશમાંથી આ રીતે થતું સ્થળાંતર દેશને વિકાસના પંથે દોરવામાં બાધા બનવાની શક્યતાને નકારી ન શકાય. જરૂર છે યુવાનો માટે ગુણવત્તાસભર શિક્ષણ અને નોકરી–ધંધાની પૂરતી તકોના સર્જનની, જે આ પરિસ્થિતિમાં યોગ્ય બદલાવ લાવી શકે. 
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top