SURAT

ડુમસ ચોપાટીના રાક્ષસના સ્કલ્પચરની નેગેટિવ એનર્જીથી બરકત નહીં આવતી હોવાનો સ્થાનિકોનો મત

સુરત : સુરતની વાત આવે એટલે ડુમસની વાત આવે એ સામાન્ય વાત છે કારણ કે સુરતી માટે એ માત્ર એક ફરવાનું સ્થળ છે. સહેલાણી તો અહીં ત્રણ થી ચાર કલાક વિતાવીને ચાલ્યા જાય છે પરંતુ અહીંની ચોપાટીના સ્થાનિકોની તકલીફને કોઈ જ જાણતું નથી. હાલ અહીંના લોકો ચોપાટી નું સ્કપ્ચર હટાવવાની વાત કહી રહ્યા છે. તેમનું માનવું છે કે તે માત્ર નેગેટિવ એનર્જી જ આપે છે.

ડુમસનું નામ આવે એટલે સુરતીના મનમાં આનંદની સાથે શાંતિનો પણ અનુભવ થાય છે. આજ કારણ છે કે અહીં વર્ષો પહેલા ઉદ્યોગપતિઓએ તેમની હવેલીઓ બનાવી હતી. જે આજે પણ હયાત છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અહીંના સ્થાનિકો એટલે કે ચોપાટી અને તેની આસપાસના લોકોને એક નેગેટિવ એનર્જીનો અનુભવ થઈ રહ્યો છે. અહીંના લોકો માની રહ્યા છે કે, જ્યારથી અહીં રાક્ષસનું સ્કલપચર લાગ્યું છે ત્યારથી કોઈ ને કોઈ અડચણ કે મુશ્કેલી આવી રહી છે. તેઓ ખુલીને બોલવા નથી માંગતા પણ કહી રહ્યાં છે કે રોજગારીમાં હવે પહેલા જેવી બરકત નથી.

પહેલા ચોપાટી લંગરની સામે હતી, ત્યારે પણ ગામની મહિલાઓ કમળક, બોર સહિતની અન્ય ચીજો વેચતી હતી, તરોફા મળતા હતા ને ભજીયા પણ, ત્યારે અહીં ઓછા લોકો આવતા હતા તો પણ બરકત હતી, શાંતિ હતી. પણ હવે એ સ્થિતિ રહી નથી. ધંધો થઈ શકતો નથી. કોઈને કોઈ અડચણ કે હેરાનગતિ થાય છે. ટૂંકમાં શાંતિ નથી એટલે તાત્કાલિક અહીં લાગેલો રાક્ષસ હટાવી દેવો જોઈએ. જ્યારે ભારતમાં અનેક ઋષિ, મુનિ અને મહાનુભાવો થઈ ગયા હોય ત્યારે અહીં રાક્ષસનું શું કામ? તેને જોઈને કઈ પોઝિટિવ એનર્જી આવે છે તેનો જવાબ પદાધિકારીઓએ આપવો જોઈએ.

પર્યાવરણને જાળવવાના સંદેશ સાથે પ્લાસ્ટિકની બોટલથી આ રાક્ષસનું સ્કલપચર બનાવાયું હતું
ડુમસ ચોપાટી પાસેનું રાક્ષસનું આ સ્કલપચર 21મી જાન્યુ., 2020ના રોજ સુરત મહાપાલિકા દ્વારા મુકવામાં આવ્યું હતું. આ સ્કલપચર મુકવા પાછળનો હેતુ એ હતો કે ડુમસ બીચ પર લોકો પ્લાસ્ટિકની બોટલો તેમજ અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ ફેંકીને ગંદકી નહીં કરે. લોકો સમજે કે પ્લાસ્ટિક રાક્ષસ જેવું છે. એટલે જ જે તે સમયે આ રાક્ષસ પણ પ્લાસ્ટિકની 5000 બોટલ અને 3000 કિલો લોખંડને ભેગું કરીને 27 ફુટનો બનાવવામાં આવ્યો હતો.

રાક્ષસને હટાવીને હનુમાનજીની પ્રતિમા મુકવી જોઈએ : મહેશ લાલા
ડુમસના સ્થાનિક મહેશ લાલા જણાવે છે કે, અહીં દુવાઁસા ત્રષિનું ક્ષેત્ર હતું. એટલે ડુમસ નામ પડેલું. ભીમપોરનું અસલ નામ ભયપુર હતું. અહીં પાંડવો આવીને રહેલા અને ભીમ અને હનુમાનનો સંગ્રામ થયેલો, એટલે ભીમ ઉપરથી ભીમપોર પડેલું. નવાબ હૈદરખાનની ત્રણ બેગમો હતી. પણ સંતાન થયું નહોતું. એટલે નવયુવાન ત્રીજી બેગમને લઇ નવાબે જુના હનુમાનજીનાં મંદિરે જઇ પુજા-અર્ચના કરી પાર્થના કરી હતી કે, ”તમે મારી રૈયતને સુખ શાંતિ આપો છો, તો હું રૈયતનો રાજા, તેના તરફ આપની અવકૃપા શા માટે ? મારે બીજું કંઇ જોઇતું નથી, સંતાન જોઇએ છે, તો મારા ઉપર કૃપા કરો.” હનુમાનજીનો અનુગ્રહ થયો ને બરાબર નવ મહિના પછી બેગમે એક પુત્રને જન્મ આપ્યો એટલે મારા વિસ્તારને “હનુમાન નગર” એવું નામ આપો. દરિયા ચોપાટી કિનારે રાક્ષસનું સ્કલપચર હટાવીને “હનુમાનજીનું” વિરાટ સ્કલપચર મુકવું જોઈએ.

Most Popular

To Top