કાલોલ: કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી જાહેર થવાને પગલે સોમવારથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાની મુદતનો શુભારંભ થતા પહેલા દિવસે ફોર્મના ઉપાડનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી તંત્રની પ્રક્રિયા મુજબ ૦૮/૨થી શરૂ કરીને ૧૩/૦૨ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.
જે અંતર્ગત જાહેરનામાના અમલને કારણે સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે ઘસારો ના થાય તે હેતુથી ઉમેદવારોને ફોર્મ લેવા-ભરવા અલગ અલગ ત્રણ જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે.
જે મુજબ કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી અડાદરા, અલાલી, અલવા, એરાલ, બેઢીયા, ચલાલી, દેલોલ, ઘુસર, કરોલી, ખડકી, ખરસલીયા, મલાવ, વેજલપુર અને વ્યાસડા આમ ૧૪ તાલુકા પંચાયત બેઠક માટેના ઉમેદવારોના ફોર્મ તાલુકા પંચાયત કચેરી ખાતે ફાળવણી કરવામાં આવી છે. તે મુજબ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે.