Charchapatra

સ્થાનિક ભાષા અને ઉચ્ચ અભ્યાસ

થોડા દિવસ પહેલાં હરિદ્વાર ખાતે દક્ષિણ એશિયાની પીસ એન્ડ રીકન્સીલીએશન ઇન્સ્ટીટ્યુટના ઉદઘાટન સમારોહમાં ભારત દેશનાં ઉપપ્રમુખ શ્રી નાયડુજીએ ઘણાં ભારતીય રાજકારણીઓની માન્યતાને વાચા આપતાં આ સંસ્થામાં શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારાયેલ અંગ્રેજી ભાષા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. સામાન્ય સંજોગોમાં એમની વાત સંપૂર્ણપણે યોગ્ય લાગે કે ભારતમાં જ સ્થાનિક ભાષાને અવગણીને વિદેશી ભાષાને પ્રાધાન્ય આપવું કેટલું યોગ્ય છે? સ્થાનિક ભાષાનું પ્રભુત્વ જરૂર વધવું જ જોઇએ, પરંતુ અહીં સવાલ એ પેદા થાય છે કે ગુજરાતી સહિતની આપણી મોટા ભાગની ભારતીય ભાષાઓમાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી એવી માહિતીઓ સમાવતાં પુસ્તકો મળી શકે છે? આ બાબતે આટલાં વર્ષોમાં કોઇ પહેલ થઇ છે? કેટલી પ્રગતિ થઇ છે? જ્યારે જવાબ મહદ્ અંશે નકારાત્મક હોય અને આપણા દેશમાં રોજગારીની પૂરતી તકો પ્રાપ્ત ન થતી હોય ત્યારે આપણા દેશનું યુવાધન શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી વધુ અભ્યાસ અર્થે વિદેશમાં જઇ રહ્યા છે જ્યાં શિક્ષણનું માધ્યમ મુખ્યત્વે અંગ્રેજી છે એવા સંજોગોમાં એમને માટે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ સ્વીકારી આગળ વધવું જરૂરી બની જાય છે.

અંગ્રેજી ભાષામાં ભારતીય વિદ્યાર્થીઓને એમનાં જ્ઞાનની વૃધ્ધિ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એમની સ્વીકાર્યતા વધી જાય છે. જાપાન, ચીન જેવા દેશોએ પણ એમનાં શિક્ષિત યુવાનોની આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા વધારવા શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રજીને પ્રાધાન્ય આપવા માંડ્યું છે. અંગ્રેજી ભાષાની લોકપ્રિયતા વધતાં ભારતીય ભાષાઓની મહત્તા ઓછી થવાની આશંકા રાખવી જરૂરી નથી. ભારતીય ભાષાઓની સ્વીકાર્યતા વધે એ અંગે સંશોધન અને વિકાસ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સઘન પ્રયત્નો થાય તો સંજોગો અને શક્યતાઓ સમય જતાં બદલી શકાય. આપણા દેશનો ઇતિહાસ એ બાબતનો સાક્ષી છે કે આખી દુનિયામાંથી જ્ઞાનપિપાસુ એમનાં જ્ઞાનની વૃધ્ધિ માટે ભારતમાં જ આવતા. નાલંદા વિદ્યાપીઠ એનું ઉત્તમ ઉદાહરણ છે. આજના વિષયો અને સંજોગો જરૂર બદલાયા છે પરંતુ બદલાયેલ સમય સાથે અનુકૂલન સાધી ભાષા અને રોજગારીના ક્ષેત્રે પ્રગતિના પંથે પગરવ માંડવાના સઘન પ્રયત્નો થાય તો સમય જતાં પરિસ્થિતિ બદલી ન શકાય? સવાલ વિચારવા જેવો છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top