Gujarat

BREAKING: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર! 26 એપ્રિલના રોજ મતદાન થશે, પરિણામ ક્યારે આવશે, જાણો

આખરે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 263 તાલુકા પંચાયતો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ, ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થશે.

મતદાન 26 એપ્રિલે

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો જરૂરી બને તો 27 એપ્રિલે ફરી મતદાન થશે. મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલે પૂર્ણ થશે.

ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કેટલાક પક્ષોએ ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે, જ્યારે કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.

આ વચ્ચે આજ થી પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. ભાજપના નિરીક્ષકો જિલ્લાપંચાયત અને મહાનગરપાલિકાઓમાં જઈને સંભવિત ઉમેદવારો અંગે મતદાનકારો અને કાર્યકરો પાસેથી સેન્સ લેવાની કામગીરી હાથ ધરશે. આ પ્રક્રિયા આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

Most Popular

To Top