રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ મધ્યસ્થ બેંક અને RBI પાસે તારીખ ૦૧ એપ્રિલ ૨૦૧૪થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી દેવા માફી અંગેની માહિતી માગવામાં આવી હતી. આ પ્રશ્નના જવાબમાં આપણા દેશની મધ્યસ્થ બેંક અને RBI દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન ૧૬ લાખ કરોડથી વધુ રૂપિયાના દેવા માફ કરવામાં આવ્યા છે. આ રકમ નાનીસુની ન કહેવાય. ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન જે ૧૬ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ માંડી વાળવામાં આવી હતી તેમાંથી ફક્ત ૧૬% જેટલી રકમ જ વસૂલ બેંકો કરી શકી છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. જાહેર જનતા દ્વારા બેંકો પર પૂરેપૂરો વિશ્વાસ મૂકીને પોતાની મહામુલી બચત બેંકમાં થાપણરૂપે મૂકવામાં આવે છે.
લોકોની થાપણમાંથી જ બેંક વિવિધ હેતુ માટે ધિરાણ કરે છે. બેંકો દ્વારા કરવામાં આવેલું ધિરાણ જો પરત નહીં આવે તો સ્વાભાવિક રીતે લોકોનો બેંકમાંથી વિશ્વાસ ઘટે છે કે ઉઠી જાય છે. આટલી મોટી રકમ દેવાની માફ કરવામાં આવતી હોય ત્યારે પ્રશ્ન એ છે કે બેંકના અધિકારીઓએ ધિરાણ કરતી વખતે જેને ધિરાણ કરવામાં આવ્યું છે એ પરત કરી શકશે કે કેમ તેની પૂરેપૂરી ચકાસણી કરવામાં નહીં આવી હોય તો જ એમ બની શકે. સાચી વાત તો એ છે કે આ રીતે ધિરાણ કરનાર જવાબદાર અધિકારી સામે સખતમાં સખત પગલાં લેવાવા જોઈએ. આવા પગલા નથી લેવામાં આવતા તેથી જ બેંકના અધિકારીઓ દ્વારા બેફામપણે ધિરાણ કરવામાં આવે છે અને લોકોની બચત જોખમમાં મુકાય છે. લોકોનો વિશ્વાસ બેંકમાં ટકી રહે તે માટે સત્વરે પગલા લેવાની જરૂર છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
