સુરતમાં અવારનવાર છેતરપિંડી, ઠગાઇના કિસ્સાઓ સામે આવે છે. શહેરમાં એક ટોળકી દ્વારા અનોખી મોડસ ઓપરેન્ડી થી છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 7 જેટલા ઠગોની ટોળકી લોકોને પોતાના જાળમાં ફસાવતી હતી. સુરતમાં એક ફરિયાદીએ પોતાની સાથે લોન ના બહાને ઠગાઇ થઇ હોવાની સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- ગ્રાહકોના નામે લોન કરાવી લોનથી લીધેલા નાણાં કે વસ્તુ ગ્રાહક ને નહિ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે આ ગુનાના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. સલાબતપુરા પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીંસના આધારે આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે (1)મૂળ બિહાર ના વતની અને સુરતમાં અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા આરોપી સંતોષસીંગ વાંચસ્પતિસીંગ,(2) મૂળ યુપી વતની અને સુરતમાં અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ગોપાલ મીઠાઈ લાલ ગુપ્તા અને (3) મૂળ અમરેલી નો વતની અને સુરત માં વરાછા અભય નગર ખાતે રહેતા અજય ગુણવંત ભાઈ વાઘડિયા ની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ રિંગરોડ ખાતે એમ્પયાર સ્ટેડ બિલ્ડીંગ માં રોયલ ફાઇનાનશિયલ, મની સોલ્યુશન અને કવીક લોનના નામ થી ઓફિસ રાખી હતી અને પેમ્પલેટ દ્વારા તેઓ લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. સરળતાથી લોન અપાવવાની મોટી મોટી વાતો કરી આરોપીઓ આર્થિક જરૂરિયાત મંદ લોકોને ફસાવતા હતા.
કંઝ્યુમર લોન અને પર્સનલ લોન અપાવવાનું કહી આરોપીઓ ગ્રાહકો પાસેથી ડોક્યુમેન્ટસ લઇ ગ્રાહકોના નામે લોન કરી લોનના નાણાં કે વસ્તુ ગ્રાહકોને નહી આપી પોતાની ટોળકીના અન્ય સાગરીતોની મદદગારીથી લોનથી લીધેલી વસ્તુ અન્ય લોકોને વેચી દઈ લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી, અન્ય 4 આરોપીઓ મોનીકા, રાજુ આહીર ઉર્ફે મામાં, સરફરાઝ અને રાજીવ ચૌબેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
શું હતી ચીટરોની મોડસ ઓપરેન્ડી?
આરોપીઓની મોડસ ઓપરેન્ડી બાબતે જણાવતા ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું કે આરોપીઓ સંતોષસીંગ તથા ગોપાલ ગુપ્તા મુખ્ય આરોપી રાજીવ ચૌબેના કહેવાથી કસ્ટમરોને લોન માટે સમજાવી ઓફિસે લઈ આવતા અને તેઓને રાજીવ ચૌબે સાથે મળાવી ત્યારબાદ તેઓની લોન માટેની પ્રોસેસ કરાવતા હતા.
તેમના નામે મોબાઇલ ટી.વી. તથા એ.સી. જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન કરવાની છે તેમ જણાવી આ અન્ય આરોપી અજય વાગડીયાની યોગી ચોક વરાછા ખાતે આવેલી ફોન બુક નામની દુકાને ઓટો રીક્ષામાં બેસાડી લઈ જતા જ્યા આ ફોન બુક નામની દુકાને કસ્ટમરની અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાં કન્ઝ્યુમર લોન કરાવી તેમના હાથમાં મોબાઇલ ફોન આપી ફોટો પાડી બાદ માં મોબાઇલ ફોન પરત લઇ લેતા અને ગ્રાહકોને મોકલી આપતા.
ત્યાર બાદ આ મોબાઇલ ફોન બુક ની દુકાનેથી આરોપી રાજુભાઇ ઉર્ફે મામાને આ અજય વાગડીયા આપી દેતો અને આ રાજુભાઇ ઉર્ફે મામા મોબાઇલ ફોનના રોકડા રૂપિયા ઉભા કરી સંતોષસીંગ તથા ગોપાલ ગુપ્તા હસ્તક આ રાજીવ ચૌબેને મોકલી આપતો હતો.
રિંગ રોડ ખાતે એમ્પાયર સ્ટેડ બિલ્ડીંગ માં ઓફિસ રાખી હતી. જ્યાં વોન્ટેડ આરોપીઓ મોનીકા અને સરફરાઝ તેઓ ની ઓફિસ માંથી લોકો ને લોન બાબતે માહિતી આપવાનું કામ કરતા હતા. આ ટોળકી એ 40 જેટલા લોકો સાથે ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે અને 67 લાખ જેટલી રકમનો ઠગ ટોળકીએ ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ દ્વારા આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.
