SURAT

સુરતના યુવકના ખાતામાં હોમલોનના 26 લાખ જમા થયા ને અચાનક 16 લાખ ઉપડી ગયા

સુરત (Surat): સુરતમાં ઉસળ પાવ વેચતા એક યુવક સાથે છેતરપિંડીની (Cheating) અજબ ઘટના બની છે. યુવકના બેન્ક એકાઉન્ટમાં હોમ લોન પેટેના રૂપિયા 26 લાખ જમા થયા બાદ તેને લોન અપાવનારે યુક્તિપૂર્વક યુવકના બેન્ક ખાતામાંથી ((Bank Account)) રૂપિયા 16 લાખ એક પાનના ગલ્લાવાળાના એકાઉન્ટમાં ટ્રાન્સફર (Money Transfer) કરાવી દીધા હતા. રૂપિયા ટ્રાન્સફર થયાનો મેસેજ આવતા યુવક ચોંકી ગયો હતો અને તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. યુવકની ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ કેસ અંગે મળતી વિગત અનુસાર સુરત શહેરના ઉધના ચીકુવાડી વિસ્તારમાં આવેલી શ્રીરામ કુટીર સોસાયટીમાં રહેતો ભુષણ જ્ઞાનેશ્વર પાટીલ (ઉ.વ.32) હાલ ઉસળ પાઉં વેચવાનો ધંધો કરે છે. આ અગાઉ જુલાઈ 2021માં તે ફાયર ફાયટીંગના કામ સાથે પ્રજ્ઞા એજન્સીમાં સાઈટ એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો. 2021માં ભૂષણ જે એજન્સીમાં નોકરી કરતો હતો તેની સાઈટ સીટીલાઈટ બેન્ક ઓફ બરોડાની બાજુમાં આર્શિવાદ ડેવલોપર્સના મોલમાં ચાલતી હતી. તે વખતે આર્શિવાદ ડેવલોપર્સના પટાવાળા ક્રિશ સંદિપ અગ્રવાલ (રહે.સાઈકૃપા સોસાયટી બમરોલી પાંડેસરા) સાથે તેનો પરિચય થયો હતો. પોતે પ્રોપર્ટી બ્રોકરેજનું કામ કરતો હોવાનું ક્રિશે ભુષણને કહ્યું હતું. ત્યારે ભુષણ પાટીલે તેને હોમલોન માટે વાત કરતા ક્રિશે એચડીએફસી બેન્કના લોન વિભાગમાં કામ કરતા યોગેશ શર્માનો રેફરન્સ આપ્યો હતો. ત્યાર બાદ બંનેએ બેન્ક પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટ અને બે ચેક લીધા હતા અને 29 લાખની લોન પણ પાસ કરી આપી હતી.

જો કે ત્યારબાદ ક્રિશ અગ્રવાલ અને તેના પિતા સંદિપ અગ્રવાલે એડવાન્સમાં લીધેલા ચેકનો દુરપયોગ કરી ભુષણના ખાતામાં લોનના જમા થયેલી રકમમાંથી રૂપિયા 26 લાખ પાનના ગલ્લાવાળા સુરેશ સુવરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ખાતામાંથી પૈસા કપાતા ભુષણ ચોંકી ઉઠ્યો હતો. તપાસ કરતા સુરેશને સંર્પક કરતા ક્રિશ અગ્રવાલે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું બહાર આવતા તેનો ભાંડો ફુટી ગયો હતો અને ભુષણે સુરેશના ખાતામાંથી 11 લાખ સીઝ કરાવી દીધા હતા. જયારે તે પહેલા ક્રિશ અગ્રવાલે સુરેશ પાસેથી 5 લાખ ઉપાડી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે ભુષણ પાટીલની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top