આજના આધુનિક યુગમાં જીવતો માણસ વિવિધ પ્રકારના કાર્ડ સાથે જીવે છે. અમે તો નાના હતા ત્યારે ફકત રેશનકાર્ડને જ ઓળખતા હતા, એ સિવાય કોઇ કાર્ડ નહોતા જોયા અને ત્યારે પણ માણસો આરામથી પોતાનો જીવનનિર્વાહ સંપૂર્ણ સંતોષ સાથે વિતાવતા હતા અને આજે તો જાતજાતના કાર્ડ આપ્યા છે એમાં મુખ્યત: કાર્ડ છે આધારકાર્ડ. એના વગરનો માણસ ડગલું પણ ભરી શકતો નથી. જયાં જાવ ત્યાં સૌ પ્રથમ આ કાર્ડની જરૂર પડે.
ચૂંટણીમાં મતદાન કરવા જાવ ત્યારે સાથે જોઈએ ઇલેક્ષન કાર્ડ, આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવા માટે પાનકાર્ડ જોઈએ. વળી પૈસાની લેવડદેવડ માટે એ. ટી.એમ. કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વિઝા કાર્ડ, સ્માર્ટ કાર્ડ વાપરવામાં આવે છે.આપણા આરોગ્ય માટે મા કાર્ડ અને હવે આયુષ્યમાન કાર્ડ વપરાશમાં છે. બોલો, આટલા બધા કાર્ડ સાથે માણસનો વહેવાર ચાલે છે. આજનો માનવી કાર્ડ વડે ઘેરાયેલો છે. જો તેની પાસે કાર્ડ નહીં હોય તો તેનું કોઇ કામ તે કરી શકતો નથી. આગળ જતાં શું થશે અને કયા નવા કાર્ડ આવશે એની ખબર નથી.
સુરત – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લાભ મેળવવા અનૈતિક રસ્તે જવાનું?
માણસ ધર્મસ્થાનો પર જાય છે. પૂજા, પ્રાર્થના, બંદગી કરે છે. કથા, વ્યાખ્યાન, વાએજ સાંભળે છે. ધાર્મિકતાના લેબલની અંદર માણસ ખરેખર માનવીય મૂલ્યો ધરાવે છે ખરો? આવો પ્રશ્ન વારંવાર થાય છે. તાજેતરની જ ઘટનાઓ જુઓ. આવકના ખોટા દાખલા મેળવી આર.ટી.ઈ. એક્ટ હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવો, આયુષ્યમાન જેવા આરોગ્યકાર્ડ કઢાવવા અને આવી અનેક સરકારી યોજનાઓનો ખોટો લાભ લેવો. અપ્રામાણિકતા, અનીતિ જાણે કોઠે પડી ગઈ છે. ધર્મ માણસને માણસ બનાવવામાં નિષ્ફળ ગયો હોય એવી પ્રતીતિ થાય છે.
ખોટો લાભ મેળવવા માટે ટૂંકા, અપ્રામાણિક રસ્તા અપનાવવામાં માણસને જરાય શરમ- સંકોચ નથી થતો. રોજ સરકારી ઓફિસમાં જઈ ભગવાનના ફોટા સમક્ષ માથું નમાવતો, દીવા-અગરબત્તી કરતો કર્મચારી કે અધિકારી આમ જનતાને કઈ રીતે પરેશાન કરે છે, ટેબલ નીચેનો વ્યવહાર કરે તો જ કામ કરે એવા વ્યાપક અનુભવો સૌના છે. આપણા નેતાઓની સંપત્તિમાં થતો સતત વધારો શું સૂચવે છે? મૂલ્યોનું અધ:પતન વિનાશને નોંતરે છે. ક્યા મોઢે આપણે વિશ્વગુરુ બનવાનાં સપનાં જોઈએ છીએ?
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.