આજે ચાર દિવસ થયા..ક્યારે કામ પર આવવાની છે?’ સુરભિ ચાર દિવસથી રોજ કામવાળીને ફોન કરીને પૂછતી હતી. આજે સવારે પણ આઠ વાગ્યામાં ફોન કર્યો. ‘બેન હજુ બે–ચાર દિવસ થશે. આ કામ કાઢયું છે તે પતે એટલે આવું.’ સુરભિને ફોન પછાડવાનું મન થયું પણ ગુસ્સો ફોન પર કાઢીને ફાયદા કરતાં નુકસાન જ વધુ છે તે જાણે છે એટલે ફોનને સાચવીને ટેબલ પર મૂકીને ધમ્મ દઇને ખુરશી પર પડતુ મૂકયું. શબ્દો રૂપે ગુસ્સો બહાર ઠાલવ્યો, ‘આ લોકોને કાંઇ કિંમત જ ન મળે.આપણે ગમે તેટલું કરીએ…એ જાત પર જયા વિના રહે નહિ!’
ચાર ચાર દિવસથી જાતે કામ કરીને સુરભિ કંટાળી હતી એટલે એનો બબડાટ વાજબી હોવા છતાં ચોમાસા પહેલાં કામવાળી પોતાનું ઘર સમુંનમું કરવા રજા પાડે તે વાત પણ વાજબી હતી પણ વાત મુદ્દાની સુરભિને એ લાગતી હતી કે આ કોરોનાકાળમાં આ લોકોને આર્થિક તેમજ અનાજની સહાય સરકાર તરફથી મળી તેમાં આ લોકને પૈસાની છત સારી થઇ ગઇ એટલે બધા ખર્ચ પોસાય છે. સરકારે એને સહાય કરી તે કોના પૈસે? પોતાના જેવા ટેક્સ પેયરના ખર્ચે ને! કંપનીવાળાએ પૂછયા વિના પી.એમ.કેર ફંડ માટે દસ હજાર પગારમાંથી ગયા વર્ષે કાપી લીધા હતા કારણમાં એટલું જણાવ્યું હતું કે ઉપરથી ઓર્ડર છે.
લાખ રૂપિયામાંથી દસ હજાર કપાય તેનો ઘસરકો ન લાગે પણ ચચરે તો ખરું જ. આખરે દાન કરવા જબરજસ્તી નહીં પણ પરવાનગી લેવી જોઇએ ને! સુરભિએ નિ:સાસો નાંખ્યો અને ઝડપથી પરવારીને કંપનીમાં પહોંચી ગઇ. એક ડાયમન્ડ કંપનીમાં એ દસ વર્ષથી કામ કરે છે. શરૂઆત માત્ર 25000ના પગારથી ઓપરેટર તરીકે કરી હતી. ત્યારે કંપનીનું હજુ સ્ટાર્ટઅપ જ હતું પણ વર્ષમાં તો પોતાની સૂઝબૂઝથી એ કંપની માલિકોની વિશ્વાસુ બની ગઇ હતી. એકલી જ હોવાથી એ કંપનીમાં સમય વધુ આપી શકતી. નવી મશીનરી શીખવાથી લઇને નવા ટ્રેઇનીઓને શીખવાડવા સુધીનું બધું જ કામ એણે કર્યું છે. પોતે સ્ત્રી છે એટલે અમુક કામ ન કરી શકાય તેવો ભેદભાવ એણે નથી રાખ્યો. એની કદરરૂપે જ દસ વર્ષમાં એનો પગાર ત્રણ ગણો વધ્યો.
લોકડાઉન ખૂલ્યું તેવું જ સુરભિએ ઘરમાં રિનોવેશન કરાવી લીધું કારણ કે બે મહિના ઘરમાં રહેવાથી પૈસાનો બચાવ જ થયો હતો. વળી લોકડાઉન પછી ઓફિસ પણ પાર્ટ ટાઈમ જવાનું હતું. આવો નવરાશનો સમય ફરી કયારે મળે? કામ કાઢતાં પહેલાં જ એણે કામવાળી સાથે વાત કરી લીધી, ‘જો ઘરમાં કામ ચાલુ થશે એટલે તારે સાફસફાઇમાં મોડું થશે એટલે એ રીતે જ સવારે ઘરેથી નીકળજે. હું તને સાંજે ઘરે મૂકી જઇશ.’
અને ખરેખર સુરભિએ પોતાનું બોલેલું પાળ્યું હતું. ઘરમાં કામ કરવા આવતાં મિસ્ત્રીના માણસો જાય ત્યારે છ વાગી ગયા હોય. એ પછી સુરભિની બાઇ સાફસફાઇ કરે ત્યાં સાત – સાડા સાત થવા આવે. સુરભિ રોજ બાઇને એના ઘરના નાકા સુધી મૂકી આવે. વહેલુંમોડું થાય તો ક્યારેક ફૂડ પણ બહારથી મંગાવીને બાઇને આપી દેતી. જેથી કરીને એણે ઘરે જઇને રસોઈ ન કરવી પડે એટલે જ હવે સુરભિને બાઇ પર ગુસ્સો આવતો હતો. બે દિવસની રજાનું કહીને આજે ચાર દિવસથી બાઇ કામે આવતી નથી.
‘આ લોકોને કાંઇ કિંમત નહીં..આપણા જ પૈસે લહેર કરવી છે. લોકડાઉનમાં બે મહિના કામ પર આવી ન હતી, છતાં પૂરેપૂરો પગાર આપ્યો. સરકારે અનાજ અને રોકડ રકમની સહાય કરી અને બીજી સંસ્થાઓએ આ લોકને મફત ખવડાવ્યું, તેમાં બચત થઇ છે તે વાપરે છે.. બધો ભાર તો આપણાં જેવા લોકો પર જ છે ને!’ સુરભિએ બહેનપણીને ફોન કરીને બળાપો કાઢયો.
ઘરમાં ઉપરછલ્લી સફાઇ કરીને એણે ઓફિસની વાટ પકડી. માંડ ઇન્ટરનેશનલ ફલાઇટ ચાલુ થઇ છે એટલે આજે જ બે કસ્ટમર બેલ્જિયમથી ડાયમન્ડની ખરીદી માટે આવવાના છે. એ તૈયારી રૂપે એણે ઓફિસ જઇને પોતાનું હોમવર્ક કરી લીધું જેથી કરીને કંપનીને આ ડીલ મળી શકે. પેન્ટ્રીમાં જઇને કોફી મશીન પણ ચેક કરી લીધું. યુરોપના કસ્ટમરને ફ્રેશ ગ્રાઇન્ડ કોફી બહુ આકર્ષે એ વાત સુરભિ જાણતી હતી. મિન્ટ–તુલસીની ફલેવર કોફીમાં આવે તે માટે એણે ઘરેથી લાવેલી હતી એ ફૂદીનો અને તુલસી દૂધમાં નાંખીને દૂધ ફ્રીજમા મૂકવાની સૂચના માણસને આપી. દેશી તથા વિદેશી ફૂડના સપ્લાયરને ફોન કરીને લંચનું મેનુ ચેક કરી લીધું.
બસ એ બોસના આવવાની રાહ જોતી ઓફિસ પ્રિમાઈસિસમાં બધું ચેક કરતી ફરતી હતી ત્યાં એણે બહાર પાર્કિગમાં બોસની ગાડી પાર્ક થયેલી જોઇ. અરે બોસ આવી ગયા ને એને મળ્યા પણ નહીં? સુરભિ બોસની કેબિનનું બારણું ખોલીને અંદર ગઇ તો અંદર કોઇ ન હતું. એને આશ્ચર્ય થયું કે બોસ ક્યાં ગયા? એણે પાંચ મિનિટ રાહ જોઇ કદાચ બોસ એમની કેબિનના પ્રાઇવેટ વોશરૂમમાં ગયા હોય! પણ પાંચ મિનિટ પછી પણ કોઇ ન દેખાયું અને હવે ફોરેન કસ્ટમરને આવવાને અડધો કલાકની જ વાર હતી એટલે સુરભિ ડેસ્પરેટ થઇ. કસ્ટમર આવે એ પહેલાં એક–બે વાત બોસ સાથે ટેલી કરી લેવાની હતી. જેથી કોઇ બાબતે મતભેદ ન થાય.
સુરભિ બોસની ઓફિસની સામેની બાજુએ આવેલી ઓપન ટેરેસ તરફ ગઇ તેવા જ એના કાને શબ્દો પડ્યા,’અરે યાર જવા દે ને…વાત જ ન કર. ગવર્મેન્ટે બધાં પર્કસ ગરીબોને જ આપવા છે, એ આપણા જેવા ટેક્સ પેયરના ભોગે. હવે તું જ કહે આપણાં જેવાં લોકોને અમુક ખરચ તો થવાનો જ છે? પ્રોડક્શન થાય કે નહીં આપણે તો માણસોને પગાર આપવાના જ ને! માણસોને તો જલસા છે, બે મહિના ઓફિસ બંધ હતી પણ પગાર તો આપણે ચૂકવ્યા ને!’ આ શબ્દો સાથે જ સુરભિના પગ જમીન પર ખડાઈ ગયા.