સુરતઃ ઉદયપુર રાજસ્થાન ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને સુરત એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો. આ ઈસમ પાસેથી પોલીસે અંદાજે 35,49,100ની કિંમતનું કુલ 354.910 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું છે. આ ઈસમ સુરતમાં જે બે ઈસમને ડ્રગ્સ આપવાનો હતો તે બે પણ પકડાયા છે. પકડાયેલા આરોપીઓમાં એક સુરતની વીટી ચોક્સી કોલેજનો એલએલબીનો વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થી હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાની વિગતો પણ બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ઓ.જી.ના પીએસઆઈ આર.એમ.સોલંકીને એવી બાતમી મળી હતી કે, રાજસ્થાનના ઉદયપુરથી ફોરવ્હીલમાં એક ઈસમ સુરત શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીના પોલીસ ઇન્સપેકટર એ.પી.ચૌધરીએ તેમની ટીમના અધિકારીઓ સાથે સલાબતપુરા ઉધના દરવાજા પાસે આવેલા સાર કોર્પોરેટ સેન્ટર નામની બિલ્ડીંગમાં સાતમા માળે આવેલી હોટલ ધ ગ્રાન્ડ વિલા ઈનના રૂમ નં.704 માં દરોડા પાડ્યા હતા.
રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સની ડિલેવરી કરવામાં માટે આવેલો આરોપી ચેતન કિશનલાલ શાહુ (ઉં.વ 22 રહે. સરકારી સ્કૂલની બાજુમાં નારાયણપુરા (બડગામ) પોસ્ટ ભિંડર તા.વલ્લભનગર જી.ઉદયપુર રાજસ્થાન) પકડાયો હતો. તેની પાસેથી રૂપિયા 35,49,100ની કિંમતનું પ્રતિબંધિત 354.910 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ્સ, મોબાઈલ, કાર અને રોકડા સહિત તેની પાસેથી કુલ 44,75,450નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ડિલીવરી લેનાર LLBનો વિદ્યાર્થી વિકાસ આહીર પકડાયો
તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે ઉદયપુરનો ચેતન શાહુ સુરતમાં એલએલબીના વિદ્યાર્થીને ડ્રગ્સની ડિલીવરી પહોંચાડવાનો હતો. એસઓજીએ સુરત શહેરમાં માલની ડીલેવરી લેનાર અનિષખાન ઉર્ફે અન્નુ લાકડાવાલા અજીઝખાન પઠાણ (રહે પંચશીલનગર ઉમિયામાતાના મંદિર પાસે ભાઠેના સુરત ) અને એલએલબીનો વિદ્યાર્થી એવા વિકાસ શંકરભાઈ આહીર (રહે, ખટોદરા કોલોની શાસ્ત્રીનગર સલાબતપુરા સુરત મુળવતન-ગામ-લસાડીયા ખુદ તા.રાશમી જી-ચિત્તોડગઢ રાજસ્થાન)ને પણ પકડી પાડવામાં સફળતા મેળવી છે.
વિકાસ આહીર વીટી ચોક્સી કોલેજમાં એલએલબીનો વિદ્યાર્થી છે. તે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાની પણ ચર્ચા છે. વિકાસ આહીર પોતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિની સંસ્થાનો સુરત પ્રમુખ હોવાનો દાવો કરતો હોવાની પણ ચર્ચા છે. આરોપીઓ વિરૂધ્ધમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.
મહારાષ્ટ્ર બાદ રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાયનો પ્રયાસ સુરત એસઓજીએ નિષ્ફળ બનાવ્યો
આરોપીઓની પુછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે, અગાઉ મુંબઈ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામા આવતો હતો પરંતુ સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ્સ સપ્લાયરો તેમજ પેડલરોને ઝડપી પાડી મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગ્સની સ્પ્લાય ચેઇન તોડી પાડવામાં આવી હતી, જેથી ડ્રગ્સ માફીયાઓએ નવો રાજસ્થાનનો રૂટ અપનાવ્યો હતો. જોકે, માફિયાઓ રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રથમ પ્રયત્ન પણ સુરત શહેર એસ.ઓ.જી..એ નિષ્ફળ બનાવ્યો છે.
પકડાયેલો એક આરોપી રીઢો ગુનેગાર
અનિષખાન ઉર્ફે અન્ન લાકડાવાલા નાએ 2017ની સાલમાં એક તાલિબ નામના ઇસમનું અપહરણ બાદ હત્યા કરી ડુમસ ખાતે ગટરમાં લાશ ફેંકી દીધી હતી. જે બાબતે તેના વિરૂધ્ધમાં ખટોદરા પો.સ્ટે. અપહરણ તથા ખુનનો ગુનો દાખલ થયો હતો. તે ઉપરાંત અલથાણ પો.સ્ટે. એન.ડી.પી.એસ.કેસમાં પાંચ મહિના અગાઉ ધરપકડ થઈ હતી. બે મહિના પહેલા જામીન મુકત થયો છે અને હાલમાં પણ ડ્રગ્સ પેડલર તરીકે ધંધો કરતો હતો.
સ્નેપચેટ પર ડ્રગ્સનો ઓર્ડર કરતા, આઈસ્ક્રીમની લારીઓ પર વેચતા
તમામ આરોપીઓ રાજસ્થાન ખાતેથી સ્નેપચેટ તથા ઈન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા ડ્રગ્સનો ઓર્ડર કરી મંગાવી એમ.ડી.ડ્રગ્સની હેરા ફેરી કરી સુરત શહેર ખાતે આઇસ્ક્રીમની લારીઓ તથા આઇસ્ક્રીમ પાર્લર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે ટુ-વ્હિલ તથા ફોર-વ્હિલ ગાડીઓમાં પોતાના જાણીતા ગ્રાહકોને ડગ્સની ડીલેવરી કરતા હતા.