વડોદરા: શહેરના તરસાલી રેવન્યુ સર્વેમાં આવેલી જમીન સંયુકત માલિકીની હોવા છતાં વિદેશમાં રહેતા ભાઇના નામની બોગસ સહીઓ કરીને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા જમીનને વેચી દેવાનો કારસો રચાયા બાદ હવે અમદાવાદમાં પણ આ જ પ્રકારે છેતરપિંડી આચરવા મામલે ભાઈ અને બનેવી સહિત 6 શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
બે વર્ષ અગાઉ મૂળ કલોલના પણ હાલમાં અમદાવાદના સોલા રોડ પર રહેતા ભૂપેન્દ્ર અંબાલાલ પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં તેમના ભાઇ દિલીપ અંબાલાલ પટેલ, ગુરુનાનક દેવજી મિશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જસબીન્દરસીંગ જોગીંદરસીંગ શેઠી, જગજીતસીંગ ગુરુદયાલ ચન્ના, કુલદીપસીંગ લાભસીંગ મહેતા તથા નોટરી પ્રવીણ ખુશાલદાસ સોલંકી અને બનેવી યશવંત બાબુભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.
વર્ષ 2001થી 2012 સુધી તેઓ અમેરિકા હતા અને ક્યારેય ભારત આવ્યા ન હતા, પરંતુ, તેમના પિતાનું અવસાન થતાં વર્ષ-2012માં તેઓ ભારત આવ્યા હતા. તે સમયે તેમણે તરસાલીની જમીન બાબતે તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાઇ આવ્યું હતું. અમદાવાદના નોટરી પી કે.સોલંકી પાસે તેને નોટરાઇઝ કરાવી હતી.
તેમના અને તેમના પિતાની બોગસ સહીઓ કરીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવાઇ હતી અને તેના આધારે દિલીપ પટેલે ગુરુનાનક દેવજી મિશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને 10 લાખમાં વેચાણે આપવાનું નક્કી કરી રોકડા 2,11,111 રૂપિયા બાના પેટે સ્વીકારી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરી આપ્યો હતો અને જમીનનો કબજો પણ આપ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદના આધારે ગુનો નોંધી દિલીપ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે યશવંત પટેલએ આગોતરા જામીન મેળવ્યા હતા.
હવે અમદાવાદ શહેરમાં પણ તેમના ભાઈ દિલીપ પટેલ અને બનેવી યશવંત પટેલ દ્વારા તેમની જમીન પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે દિલીપ પટેલ, યશવંત પટેલ, બાબુ સોલંકી, મહેશ મિસ્ત્રી, પંકજ બારોટ અને અંકિત પટેલ( તમામ રહે- અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે.
અમદાવાદના ગુનામાં અદાલતે દિલીપ પટેલની આગોતરા નામંજૂર કર્યાં છે. પંકજ બારોટ અને અંકિત પટેલ તે બનાવટી દસ્તાવેજોના આધારે ચેરમેન તથા સેક્રેટરી તરીકેનો હોદ્દો મેળવ્યો છે. ફરિયાદ પાછી ખેંચવા અંકિત પટેલ અને પંકજ બારોટે ધમકી આપતા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.