સુરત : વલસાડ (Valsad)ના સેગવી ગામના બ્રેઈનડેડ (brain dead) યોગશિક્ષિકા (yoga teacher) રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની (kidney), લિવર (liver) અને ચક્ષુ (eyes)ઓનું દાન (donate) કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો છે. તેમના લીવરદાનથી સુરતના એક ઉદ્યોગપતિ અને સમાજસેવકને નવજીવન મળ્યું છે. સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની આ છઠ્ઠી ઘટના છે.
મૂળ મોરબી, મહેન્દ્રનગરના વતની અને વલસાડના માણેક બાગ, સેગવી ગામ ખાતે રહેતાં વણકર સમાજના ૪૦ વર્ષીય રંજનબેન પ્રવિણભાઈ ચાવડા યોગના ક્લાસિસ ચલાવતા હતાં. તેમના પતિ પ્રવિણભાઈ વલસાડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ૧૬ વર્ષીય પુત્ર જય ધો.૧૧માં અભ્યાસ કરે છે. ગત તા.૩૦ સપ્ટે.ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સ્વ.રંજનબેન તેમના બહેન તનુજાના ઘરે જવા મોપેડ પર જઈ રહ્યા હતા, એ સમયે વલસાડ ધરમપુર ચોકડી પાસે, એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પટકાયાં હતાં, અને માથામાં ગંભીર ઈજા થવાથી તાત્કાલિક વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. આખરે તા. ૦૨ ઓક્ટો.ના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં. હોસ્પિટલના સત્તાધીશોએ ‘ડોનેટ લાઈફ’ના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી રંજનબેનના બ્રેઈનડેડ થવાં અંગે વાકેફ કર્યા હતાં.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પતિ પ્રવિણભાઈ, બેન વિજયા, દક્ષા અને તનુજા, બનેવી રણજિતભાઈ અને જિગરભાઈ, ભાઈ નરસિંહભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા તેમના પતિ અંગદાન માટે તૈયાર થયા હતાં. અંગદાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવકમાં કરાયું હતું. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ આણંદની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.