એક રસ્તાના નાકા પર એક નાનકડું ગેરેજ હતું. બહુ મોટું કામ તો ન હતું.આવતી જતી ગાડીઓમાં તેલ ,પાણી, હવા ચેક કરી આપે. પંચર હોય ટાયરમાં તો તે રીપેર કરી આપે.આ રસ્તો થોડો અંદર તરફ હતો એટલે ત્યાંથી ગાડીઓની અવરજવર થોડી ઓછી રહેતી.એટલે ગેરેજવાળાને કામ ઓછું રહેતું અને એટલે આવક ઓછી થતી અને તેનો હાથ હંમેશા તંગીમાં જ રહેતો.પણ તે મહેનત કરવાનું ચૂકતો ન હતો. એક દિવસ તેનો મિત્ર ગેરેજ પર મળવા આવ્યો અને કહ્યું, ‘આજે રાત્રે બધા દોસ્તો મળીને પાર્ટી કરવાના છીએ. તું પણ આવજે.’
ગેરેજવાળાએ ના પાડી અને સાચું જ કહી દીધું, ‘દોસ્ત, હું પાર્ટીમાં નહિ આવી શકું. હમણાં બે ત્રણ દિવસથી કોઈ કામ મળ્યું નથી એટલે હાથ થોડો તંગ છે. ભાઈ આવક માંડ માંડ થાય છે ત્યાં પાર્ટીના ખર્ચા મને ન પોષાય.’ મિત્ર હસ્યો અને બોલ્યો, ‘તને કંઈ આવડતું જ નથી.ઊભો રહે, હું તને બતાવું. આવક કેમ વધારાય.’આટલું કહીને દોસ્તે ગેરેજથી થોડા આગળ અને પાછળ જઈને થોડી ખીલીઓ રસ્તામાં વેરી દીધી અને થોડી જ વારમાં બે ગાડી પંચર રીપેર કરાવવા આવી.પેલા ગેરેજવાળાએ હોંશ હોંશે કામ કરી આપ્યું અને પછી દોસ્તને પૂછ્યું કે, ‘દોસ્ત તેં એવું તે શું કર્યું?’દોસ્તે હસતાં હસતાં ખીલી બતાવી.ગેરેજવાળો મિત્ર આ જોઇને દોડ્યો અને રસ્તા પર જ્યાં જ્યાં ખીલી હતી તે શોધી શોધીને પાછી લઇ આવ્યો અને દોસ્તને ઠપકો આપતાં બોલ્યો, ‘ભાઈ, વર્ષોથી અહીં કામ કરું છું.
પણ કામ ન હોય ત્યારે આવું બીજાનું નુકસાન થાય એવું ક્યારેય કર્યું નથી.આમ કરવાથી આજે કામ મળશે, પણ આગળ જતાં નામ ખરાબ થશે અને તેમ ન થાય તો પણ મારા ભગવાનને શું મોઢું બતાવીશ? તે તો બધું જુએ જ છે અને એક દિવસ મારી સામે પણ જોશે. મને વિશ્વાસ છે.પણ થોડા પૈસા મેળવવા હું આવું ખોટું કામ નહિ કરું.’મિત્ર તેની વાત સાંભળી ગુસ્સે થઈને ત્યાંથી ચાલી ગયો. એક મામૂલી ગેરેજવાળાની અમૂલ્ય ઈમાનદારીની વાત અને આ પરથી સમજીએ કે જીવનમાં જયારે કપરા દિવસો આવે, દુખના દિવસો આવે, બસ, ભગવાન પર ભરોસો રાખો, કોઈ ખોટી લાલચ કે લોભમાં આવી ખોટા રસ્તે વળો નહિ, કોઈ ફરિયાદો કરો નહિ, ઈશ્વર જેમ રાખે અને જે આપે તે સ્વીકારી લો. દુઃખના દિવસો ધીરજથી પસાર કરી લો તો ઈશ્વર જ સુખને તમારા ઘરે મોકલશે.અચૂક સુખ એક દિવસ બારણું ખખડાવશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.