ગાંધીનગર: ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના ૭.૫ લાખ કરતાં વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે.
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશન જોઈ શકે છે. એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઈવ લોકેશન મેળવી શકે છે. મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે. આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઈવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોંચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે. ૭.૧૯ લાખ મુસાફરો GSRTC Live Android Application તેમજ ૪૧ હજારથી વધુ મુસાફરો દ્વારા GSRTC Live Applicationનો ઉપયોગ કરી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હસ્તે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેઇન ૨૦૨૫’ લોન્ચ કરાયું
ગાંધીનગર: યુવાનોમાં રોડ સેફ્ટી વિશે જનજાગૃતિ આવે તેમજ રોડ સેફ્ટી માટે સરકારી-બિનસરકારી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા પાલન થાય તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વડનગર ખાતેથી આજે ‘પરવાહ-CARE’ની થીમ સાથે રાજ્ય વ્યાપી માર્ગ સલામતી કેમ્પેઇન-૨૦૨૫નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આજે તા. ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલું માર્ગ સલામતી માટેનું ‘રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન’ સતત ૪૫ દિવસ એટલે કે તા. ૦૧ માર્ચ-૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન દરમિયાન સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારી તથા RTOની ઉપસ્થિતિમાં તમામ વિભાગોના અધિકારીઓ તથા NGO સાથે સંકલનમાં રહી માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
આ અભિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ તેમજ દરેક શહેર, તાલુકા અને ગામ-ગામ સુધી પહોંચશે. આ અભિયાન માર્ગ સલામતી સપ્તાહ હેઠળ જનજાગૃતિ ઉપરાંત રોડ ઈજનેરીની બાબતો પર વિશેષ કામગીરી, અસરકારક એન્ફોર્સમેન્ટ, જિલ્લા સ્તરે એક્શન પ્લાન, સ્થાનિક સ્તરે વિવિધ સરકારી વિભાગો અને પદાધિકારીઓ દ્વારા વિવિધ આયોજનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ ઇન્ફ્લુએનર્સ થકી હેલમેટ, સીટબેલ્ટ જેવી બાબતો પર જાગૃતિ. શાળાના વાહનોની સલામતી માટે વિશેષ માર્ગદર્શન, અકસ્માત સંભવિત વિસ્તારો પર વાહનચાલકોને વિશેષ માર્ગદર્શન આપતા બોર્ડ અંગેની કામગીરી, લાંબા અંતરની સફરમાં ડ્રાઇવિંગમાં લેવાની થતી કાળજીઓ, સગીર વયના બાળકોને વાહન ન ચલાવવા બાબત કાયદાકીય સમજ આપવી જેવા અગણિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માટે ‘પરવાહ’ થીમ પર જનજાગૃતિ માટે પ્રભાવી ઝુંબેશ માર્ગ સલામતીને સ્પર્શતી રોડ ઇજનેરીની બાબતો પર કાર્યવાહી-સલામત શાળા વિસ્તાર, જંકશન સુધારણા, ટ્રાફિક કાલ્મિંગ મેજર્સ વગેરે અસરકારક એન્ફોર્સમેટ, જિલ્લા સ્થાને મૃત્યુદર ઘટાડવા બાબતનો એક્શન પ્લાન વગેરે જેવી કામગીરી કરવામાં આવશે.
