હાલમાં નાનાં છોકરાંઓને મોબાઈલ ટેવ વધારે પડતી છે. ભણવામાં કે લેશન કરવામાં ધ્યાન ઓછું અને મોબાઈલમાં ધ્યાન વધારે. સ્કૂલેથી આવ્યાં, ચોપડા મૂકયા કે તરત જ મોબાઈલમાં લાગી જાય છે. હાલમાં એવું બને છે કે 2 થી 3 છોકરાઓ ભેગાં મળી 1 કલાક સુધી મોબાઈલમાં ગેમ રમે છે. મોબાઈલ છોડતાં જ નથી. હવે તો જમતાં જમતાં પણ મોબાઈલ જોઈએ છે. કેટલું જમ્યા, શું જમ્યા તેમાં કોઇ ધ્યાન હોતું નથી. ભવિષ્યમાં 10 વર્ષ પછી લગભગ આ પ્રથા ચાલુ રહી તો 10 વ્યક્તિમાંથી 8 વ્યક્તિને નાની ઉંમરે ચશ્માં આવશે. ચશ્માંની દુકાન હરણફાળ વધશે. એક નવો વ્યવસાય મળશે. ઉપાય તરીકે વધારે પડતા શેરી મહોલ્લા, સોસાયટી કે ફલેટ વાસીને વિનંતિ કે તેઓનાં સંતાનોને રમવા મોકલી આપે. રમવાની લાલચ આપે. રમવામાં દિલચશ્પી વધશે તો મોબાઈલની આદત ધીમે ધીમે ઘુંટાશે. તેટલો જ આંખને આરામ મળશે અને નાની ઉંમરમાં ચશ્માંથી બચશો.
સુરત – મહેશ આઇ. ડોકટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હવે હદ થાય છે!
ભારત દેશમાં તદ્દન સામાન્ય પ્રશ્નો સામાન્ય માણસને પીડે છે. કર્મચારીઓ એમને તે બદલ હેરાન કરે છે. એમનાં કામ અટકે છે. ક્યારેક તો વિમાનમાં બેસતાં તેમને અટકાવાય છે. ક્યાંક બેન્ક કે પોસ્ટનું ખાતું પાકતું હોય અને બધું આયોજન ખોટકાય છે. આ પ્રશ્નોથી ઉપલા અધિકારીઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વાકેફ છે કે કેમ એ મોટો સવાલ છે. કોઈના નામ પાછળ ભાઈ, બહેન, કુમાર એવું લખાઈ ગયું છે જે બીજા દસ્તાવેજમાં નથી લખાયું. આ પ્રશ્નો ડિજિટલ કામ શરૂ કર્યું હોવાથી ઊભા કરાય છે. એક પરિપત્ર કરીને આનો ઉકેલ લાવી શકાય તેમ છે પણ લાવતા નથી અને નાના માણસો કેવાં મુઝાયાં છે તેની કોઈને પડી નથી. માણસ સામે ઊભું છે, એની ઓળખ આપનારા છે, ફોટા સાથે મેળ પડે છે છતાં ઉકેલ કરતા નથી. આવા તંત્ર માટે આપણે આઝાદી મેળવી હતી કે?
અડાલજ -ડંકેશ ઓઝા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.