World

શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી ‘લિટલ અમલ’ યુરોપમાં ધૂમ મચાવી રહી છે…

બ્રિટિશ પ્રોડક્શન કંપની ‘ધ વોક’ દ્વારા શરણાર્થીઓ અર્થે ‘લિટલ અમલ’ નામનો અદ્વિતીય પ્રયોગ અમલમાં મુકાયો છે. પ્રયોગમાં 3 મીટર ઊંચી એક પપેટને તૈયાર કરવામાં આવી છે. આ પપેટનું નામ છે ‘લિટલ અમલ’. 11 ફીટ ઊંચી આ પપેટ શરણાર્થી બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો પ્રવાસ સિરિયા-તુર્કી બોર્ડરથી યુરોપ સુધી પહોંચશે. એકંદરે સામાન્ય લાગતો આ આઇડિયા એટલો ક્લિક થયો છે કે યુરોપમાં જગ્યાએ-જગ્યાએ ‘લિટલ અમલ’નું સ્વાગત થઈ રહ્યું છે. મૂળે આખી ઘટના એવી છે કે, માનવી ગમે તેટલો ઋજુ હોય, સંવેદનશીલ હોય અને બીજા પ્રત્યે લાગણી ધરાવતો હોય પરંતુ રોજબરોજના ઘટમાળમાં તે કેટલાક અતિ ગંભીર મુદ્દાને પણ ભૂલી જાય છે અથવા તો તેને અવગણીને પોતાના કામમાં મગ્ન થાય છે. આ રીતે પૂરું જગત વર્તે ત્યારે જાનલેવા બદહાલી પણ અન્ય લોકોના ધ્યાને ચઢતી નથી.

આવી એક પૂર્વેથી ચાલતી આવતી સમસ્યા શરણાર્થીઓની છે. છેલ્લે યુક્રેનના લોકોને આપણે યુદ્ધના કારણે શરણાર્થી બનીને યુરોપના દેશોમાં શરણ લેતા જોયા. એ રીતે નજીકના ઇતિહાસમાં સિરિયા, તુર્કી, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકાના અનેક દેશવાસીઓ રેફ્યુજી બનીને સલામત સ્થળે ગયા છે. રેફ્યુજીની સમસ્યા વિશ્વવ્યાપી છે અને તે તરફ જાગ્રતતા આવે તે અર્થે  20 જૂનના રોજ ‘યુનાઇટેડ નેશન્સ’ દ્વારા ‘વર્લ્ડ રેફ્યુજી ડે’ની પણ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોની જાગૃતિ છે પણ આ વર્ષે તે કાર્ય ‘લિટલ અમલ’ દ્વારા થઈ રહ્યું છે.

અત્યાર સુધી યુરોપના 65 શહેરોમાં અમલને આવકાર મળ્યો છે અને તેની સફર હજુ પણ 1 વર્ષ સુધી ચાલવાની છે. તેની ‘વોક વિથ અમલ’ નામે વેબસાઇટ પણ છે જ્યાં તેનું સૂત્ર મૂકવામાં આવ્યું છે : ‘વન લિટલ ગર્લ, વન બિગ હોપ.’ અમલ આમ પપેટ છે પણ તેની અંદાજવામાં આવેલી ઉંમર દસ છે અને તે તેના માતાને શોધી રહી છે. ફરી શાળાએ જવા અર્થે, ફરી જીવન શરૂ કરવા. હવે તેણે જાતે જ ડગ માંડ્યા છે. શરણાર્થીઓની સ્થિતિ કેવી હોય છે તે અમલના આ દાખલા પરથી સમજી શકાય. આ વાત અમલની છે પણ તે સૌને સંબોધીને પોતાની સરખા બધાની વાત બયાન કરે છે.

તે કહે છે : “અમને ભૂલશો નહીં.” અમલના મોઢે આ વાક્ય મૂકવાનું કારણ એ જ છે કે શરણાર્થીઓની કરૂણતા ભુલાવી દેવાય છે.  પૂરા વિશ્વમાં થઈ રહેલાં યુદ્ધો, જાતિ-વંશના ભેદો, પ્રાંતના સંઘર્ષોમાં છેલ્લે સામાન્ય લોકોને જ પોતાનું ઘર, પ્રાંત અને દેશ છોડીને બીજે આશરો લેવા માટે જવું પડે છે. પોતાના મૂળ વતન છોડવાની મજબૂરી સૌ પ્રથમ તો જીવ બચાવવાની હોય છે. યુક્રેનમાં થોડા મહિનાઓ પહેલાં એ દૃશ્યો આપણે જોયા જ્યારે યુક્રેનની બોર્ડરથી યુરોપમાં પ્રવેશવા લાંબી કતારો લાગી હતી. એ રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવ્યું ત્યારે પણ લોકોએ બીજા દેશોમાં શરણ લેવા દોટ મૂકી.

આ રીતે મહદંશે લોકો પોતાનું વતન છોડે છે પણ જ્યાં તેઓ જાય છે ત્યાં પણ તેમને આવકાર મળતો નથી. આવકાર મળે તો તેમને પાયાની સુવિધા નથી મળતી. કોરોના દરમિયાન તો શરણાર્થીઓની સ્થિતિ ઓર બૂરી થઈ. સામાન્ય સંજોગોમાં જ તેમના સ્વાસ્થ્યના પ્રશ્નો હોય છે ત્યારે કોરોનામાં તો તેનાથીય બદ્તર સ્થિતિ થઈ. આમાં સૌથી વધુ ખરાબ હાલત બાળકોની થાય છે. આ સ્થિતિ કેટલીય દયનીય થઈ શકે તે માટે સિરિયાના બે વર્ષના અલન કુર્દીની તસવીર દુનિયાભરમાં જાણીતી છે. તેના ભાઈઓ સાથે અલન કુર્દી અને તેની માતા સિરિયાથી યુરોપ જવા નીકળ્યા હતા. આ સફરમાં તેમણે નાની બોટ દ્વારા દરિયો ઓળંગવાનો હતો.

ખીચોખીચ ભરાયેલી બોટમાં જેમતેમ કરીને આ પરિવાર સવાર થયું. અધવચ્ચે અલન તેના પરિવારથી વિખૂટો પડ્યો અને તે પછીથી તુર્કીના દરિયા કિનારે અલન કુર્દીનો મૃતદેહ મળ્યો. આ તસવીર બીજા દિવસે દુનિયાભરના અખબારોના ફ્રન્ટ પેજ પર પ્રકાશિત થઈ. તે વખતે શરણાર્થીઓનું દર્દ લોકોએ અનુભવ્યું. એ રીતે રોહિંગ્યા મુસ્લિમો પણ શરણ આપે એવો કિનારો શોધતાં શોધતાં મહિનાઓ સુધી દરિયામાં ભટકતા રહ્યા પણ તેમને કોઈ દેશે શરણ ન આપી. શરણાર્થીઓની આવી કરૂણ કથાઓ અનંત છે. તેમનું રોજબરોજનું જીવન પણ કાઠું છે. બીજા દેશમાં કોઈ સુવિધા વિના જીવવું  તદ્ઉપરાંત સુવિધા ન મળે તો નાગરિકોની જેમ તેઓ અવાજ પણ ન ઉઠાવી શકે એટલે જ ‘લિટલ અમલ’ પ્રયોગ અત્યારે કારગર સાબિત થતો હોય એમ લાગી રહ્યું છે.

આ પ્રયોગ વિશે ‘ધ વોક’ના આર્ટ ડિરેક્ટર આમિર નિઝાર કહે છે કે, “અત્યારે વિશ્વનું ધ્યાન અન્ય જગ્યાએ છે. અમે ઇચ્છીએ છીએ કે આ માહોલમાં રેફ્યુજીની વાત થાય. રેફ્યુજીને રહેવા માટે જગ્યા, આહાર અને બ્લેન્કેટ તો જોઈએ જ છે પણ સાથે તેઓને આત્મસન્માન અને આઝાદ અભિવ્યક્તિયે મળવી જોઈએ અને અમે અમલની ઊંચાઈ સાડા ત્રણ મીટર એ માટે રાખી છે કારણ કે તેને ભેટવા માટે વિશ્વે મોટાઈ દાખવવી પડશે. અમલ સૌને વ્યાપક વિચારવાનું અને તે રીતે કાર્ય કરવાની પ્રેરણા આપશે.”

‘ધ વોક’માં અમલ પ્રત્યેનું વિઝન છે, તે સાર્થક થતું દેખાય છે. જેમ કે, અનેક લોકો પપેટ અમલને મળવા આવે છે. તેની પાસે સેલ્ફી લે છે. હાલમાં પોલેન્ડના ક્રેકો એરપોર્ટ પર જ્યારે અમલ આવી ત્યારે તેની સાથે યુક્રેનના રેફ્યુજી પ્રવાસ કરીને પહોંચ્યા હતા. અહીં તે બાળકોને મળી. હવે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે તેની નોંધ મીડિયા પણ લઈ રહ્યું છે. આ માટે કેટલીક એવી જગ્યાએ અમલ જાય છે જેથી રેફ્યુજી પ્રશ્ન વિશે વધુ ચર્ચા થાય. જેમ કે, બોર્ડર પર, યુનાઇટેડ નેશન્સની ઓફિસ પર, શરણાર્થીઓ નિવાસ કરતાં હોય તેવી જગ્યાએ. આ ઉપરાંત કેટલીક એવી વ્યક્તિ સાથે પણ અમલનો ભેટો કરાવાય છે જેથી તે તરફ જાગ્રતતા વધે. આ માટે પોપ ફ્રાન્સિસિ, રોમન કેથલિક ચર્ચના કાર્ડિનલ વિન્સેલ નિકોલ્સન સાથે પણ મુલાકાત થઈ. આનાથી આ વાત વધુ ઠોસ રીતે લોકો સુધી પહોંચી રહી છે. શરણાર્થીઓ અર્થે અમલ કંઈ કાયમી છાપ ન ય છોડી જતી હોય પણ હાલમાં તે તરફ ધ્યાન જાય તે માટે તેનું હોવું અગત્યનું છે.

લિટલ અમલના ચહેરાના ભાવ પણ તેને તૈયાર કરનારે એ જ રીતે રાખ્યા છે. તે ખુશ નથી લાગતી પણ મક્કમ દેખાય છે. તેનું પાત્ર ‘ધ જંગલ’ નામના નાટક પરથી પ્રેરાયું છે અને તેનું નામ અમલ રાખવાનું કારણ અરેબિકમાં અમલનો અર્થ ‘આશા’ થાય છે. હવે એવુંય નથી કે આ રીતના પ્રયોગની સૌ પ્રશંસા જ કરે. યુરોપમાં જ કેટલાક ઠેકાણે તેનો વિરોધ પણ થયો છે. શરણાર્થીઓને લઈને અત્યારે યુરોપમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે અને તે પ્રશ્નો સામે ધરીને પણ અમલની સામે અવાજ ઊઠે છે. શરણાર્થીને લઈને અનેક દેશોમાં સર્વવ્યાપી એક દલીલ થાય છે કે જ્યારે જે-તે દેશ પોતાના નાગરિકોને જ ઠીકઠાક સુવિધા નથી આપતું તો તે બહારથી આવનારાઓને પ્રવેશ કેમ આપે છે?

યુરોપના અનેક દેશો એવા પણ છે, જે સરળતાથી શરણાર્થીઓને પ્રવેશ આપતા નથી. ગ્રીસમાં તો સ્થાનિક કાઉન્સિલરે ‘લિટલ અમલ’ને મુસ્લિમ બાળકનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી ગ્રીક ઓર્થોડોક્સ મોનસ્ટીરીશમાં પ્રવેશ ન આપ્યો. જો કે આસપાસના લોકોએ અમલને સપોર્ટ કર્યો હતો. દુનિયાભરમાં આજે નફરતનો વેપાર ચાલી રહ્યો છે. રાષ્ટ્રવાદનો કટ્ટર ખ્યાલ વિકસી રહ્યો છે. એકબીજાની જગ્યા પડાવવા જીવસટોસટનો જંગ ખેલાય છે. શસ્ત્રોથી જવાબ આપવાનું સામાન્ય બની રહ્યું છે. આવા સમયે ‘લિટલ અમલ’ આપણામાં માનવતા પ્રસરાવી રહી છે, પ્રેમ વહેંચી રહી છે અને અન્યોની મુશ્કેલીઓ વિશે વિચારવું જોઈએ તેવો તેનો બોધપાઠ છે. આપણા દેશમાં પણ અમલના પ્રવાસની જરૂર છે, આવશે તો આપણા લોકો તેનાથી પ્રેમનો બોધપાઠ જરૂર શીખશે.

Most Popular

To Top